BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ પાલિકા કચેરીમાં પીવાના પાણીની સમસ્યા : કોંગ્રેસના નગરસેવકોએ કુલરની વ્યવસ્થા કરી

સમીર પટેલ, ભરૂચ

એક તરફ ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ માટે આવતા અરજદારોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હાલાકી વેઠવી પડી રહી હોવાનું સામે આવ્યું છે. જન્મ-મરણ વિભાગ સહિતના વિભાગોમાં આવતા નાગરિકોએ પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ ઉઠાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
આ મુદ્દે વોર્ડ નંબર-8ના કોંગ્રેસના કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને ઝુબેર પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો નગરપાલિકા ખાતે ઠંડા પાણીના જગ લઈને પહોંચ્યા હતા અને અરજદારોને પોતાના હાથે ઠંડુ પાણી પીવડાવી પાલિકા તંત્ર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકામાં પીવાના પાણી માટે કુલર અને આર.ઓ. મશીન હોવા છતાં લોકો સુધી પાણી પહોંચતું નથી. મશીનમાં ગંદકી, માટી અને કચરો જોવા મળી રહ્યો છે, જેના કારણે તે પીવા લાયક પણ રહ્યું નથી. ઉપરાંત શૌચાલયોની સ્થિતિ પણ અત્યંત દયનીય હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે, “જ્યાં સુધી પાલિકા તંત્ર દ્વારા અરજદારો માટે સ્વચ્છ અને ઠંડા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા જાતે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.”
બીજી તરફ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જન્મ-મરણ અને આવકના દાખલા માટે આવતા અરજદારોને ધ્યાનમાં રાખી આજથી જ ઠંડા પાણીના જરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સાથે જ બંધ હાલતમાં રહેલા કુલર અને આર.ઓ. મશીનના રીપેરીંગ અને સર્વિસિંગ માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગરમીના કપરા સમયમાં નગરપાલિકા જેવી જાહેર સંસ્થામાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે લોકો તરસ્યા રહેતા હોવાના દ્રશ્યો સામે આવતા પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Back to top button
error: Content is protected !!