AHAVADANG

ડાંગમાં બપોરે કર્ફ્યુ જેવો માહોલ : 43 ડિગ્રીના આકરા તાપથી જાહેરમાર્ગો અને બજારો બન્યા સૂમસામ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસન ધામ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.સૂર્યનારાયણ આકરા મિજાજમાં જણાતા સમગ્ર જિલ્લાનાં જનજીવન ખલેલ પહોંચ્યું છે અને લોકો ગરમીથી બચવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે.જિલ્લામાં તાપમાનનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે, જેના કારણે ડાંગવાસીઓ તોબા-તોબા પોકારી ઉઠ્યા છે.તાજેતરના આંકડાઓ મુજબ, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, જ્યાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જિલ્લાના અન્ય મુખ્ય મથકો એવા આહવા અને સુબિર તાલુકામાં પણ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.નવાઈની વાત તો એ છે કે, જે સાપુતારાને ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં લોકો ઠંડક મેળવવા જાય છે, તે હિલ સ્ટેશન સાપુતારામાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને આંબી ગયો છે. છેલ્લા માત્ર 48 કલાકમાં જ તાપમાનમાં અંદાજે 2 ડિગ્રીનો ધરખમ વધારો નોંધાયો છે, જે ચિંતાનો વિષય બન્યો છે.આ ભીષણ ગરમીની સીધી અસર સામાન્ય જનજીવન અને માર્ગો પર જોવા મળી રહી છે.બપોરના સમયે આકરા તાપને કારણે ડાંગના અંતરિયાળ વિસ્તારો અને બજારો સુમસામ ભાસી રહ્યા છે; લોકો માત્ર અતિ આવશ્યક કામ હોય તો જ બહાર નીકળવાનું સાહસ કરી રહ્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો શેરડીનો રસ, છાશ અને વિવિધ ઠંડા પીણાંઓનો આશરો લઈ રહ્યા છે. માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ પશુઓ પણ આ કાળઝાળ ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. પશુઓ ધોમધખતા તાપમાં ઝાડના છાંયડા અને નજીકના પાણીના સ્ત્રોતોની શોધમાં ભટકતા જોવા મળી રહ્યા છે.પરિસ્થિતિ વધુ વિકટ ત્યારે બની રહી છે જ્યારે સતત વધતા તાપમાનને કારણે જિલ્લાની નદીઓ અને ચેકડેમોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે અને જળાશયો સુકાઈ રહ્યા છે. આ જળસંકટની અસર વન્ય જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ પર પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેવાની પૂરેપૂરી શક્યતા છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, ગરમીથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું, સુતરાઉ કપડાં પહેરવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જેથી લૂ અને અન્ય બીમારીઓથી બચી શકાય.

Back to top button
error: Content is protected !!