Rajkot: સખી વન સ્ટોપ સેન્ટરે ૧૦ વર્ષનો લગ્ન સંસાર તૂટતો બચાવ્યો

તા.૧૨/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વ્યસની પતિનું હૃદય પરિવર્તન કરાવી પત્ની-પુત્રી સાથે મિલન કરાવ્યું
Rajkot: કહેવાય છે કે સમજાવટથી મોટા પ્રશ્નો પણ ઉકેલી શકાય છે, આ વાતને રાજકોટના સખી વન સ્ટોપ સેન્ટરે ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. છેલ્લા ૧૦ વર્ષથી સાથે રહેતા એક દંપતી વચ્ચે નશાના કારણે ઉભી થયેલી તિરાડને સેન્ટરના સફળ કાઉન્સેલિંગ દ્વારા દૂર કરી, એક માસૂમ બાળકીનું ભવિષ્ય અને મહિલાનો સંસાર તૂટતો બચાવ્યો છે.
રાજકોટમાં રહેતી એક ૩૫ વર્ષીય મહિલાએ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી પોતાની વ્યથા જણાવી હતી. અરજદાર મહિલાના જણાવ્યા મુજબ, તેમના પતિ અવારનવાર નશામાં ધૂત થઈને ઘરે આવતા હતા અને તેમની સાથે ગેરવર્તન કરતા હતા. આ દંપતીને સંતાનમાં ૭ વર્ષની પુત્રી પણ છે. આ વિકટ પરિસ્થિતિમાં મહિલા માટે સૌથી દુઃખદ બાબત એ હતી કે, તેના પોતાના માતા-પિતાએ પણ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, જેના કારણે તે નિરાધાર જેવી સ્થિતિમાં મુકાઈ હતી.
મહિલાની અરજી મળતા જ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. સેન્ટર દ્વારા મહિલાના પતિને સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સેલર શ્રી યાશ્મિનબેન ઠેબા દ્વારા અરજદાર મહિલાના પતિનું સઘન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગના અંતે પતિને પોતાની ભૂલનું ભાન થયું હતું. તેમણે નશો છોડવાની અને પત્ની સાથે સારી રીતે રહેવાની ખાતરી આપી હતી. પરિણામે, અરજદાર મહિલા અને તેના પતિ વચ્ચે સમાધાન થયું હતું અને તેઓ હર્ષભેર સાથે ઘરે પરત ફર્યા હતા.




