GUJARATPANCHMAHALSHEHERA

શહેરા પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે એક શખ્સને દબોચ્યો: ₹૫૦,૦૦૦નો મુદ્દામાલ રિકવર

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ ઉકેલવાની ઝુંબેશ અંતર્ગત એક મહત્વની સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન અઠવાડિયા અગાઉ ચોરી થયેલી મોટરસાયકલ સાથે લુણાવાડા તાલુકાના એક ઈસમને ઝડપી પાડી ₹૫૦,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી તથા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત દ્વારા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અપાયેલી કડક સૂચના બાદ, નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ સક્રિય બની હતી. શહેરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓને હ્યુમન સોર્સીસ અને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ વિગત મળી હતી કે એક શખ્સ ચોરીની બાઈક સાથે પસાર થઈ રહ્યો છે.

 

આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને દિનેશભાઇ અર્જુનભાઇ ડામોર (રહે. ગુગળીયા, ડામોર ફળીયુ, તા. લુણાવાડા, જી. મહીસાગર) નામના ૨૪ વર્ષીય યુવકને અટકાવ્યો હતો. તેની પાસે રહેલી હીરો હોન્ડા પેસન-પ્રો મોટરસાયકલ (રજી. નંબર GJ06DF7393) ની સઘન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ બાઈક અઠવાડિયા અગાઉ ગુગળીયા ગામેથી ચોરી કરવામાં આવી હતી. પોલીસે એન્જિન નંબર અને ચેસીસ નંબરની ખરાઈ કર્યા બાદ ₹૫૦,૦૦૦ની કિંમતનું વાહન કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આ મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. એક્ટ ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!