Rajkot: ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પે ₹4200 સાથે સમકક્ષ પગારધોરણ આપવા મહાસંઘની શિક્ષણમંત્રીને રજૂઆત

તા.૬/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી માનનીય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ 6 થી 8)માં ફરજ બજાવતા શિક્ષકોને તેમની શૈક્ષણિક લાયકાત અને કાર્યના સ્વરૂપને અનુરૂપ છઠ્ઠા પગારપંચ મુજબ મૂળ પગારધોરણ ₹9300–34800, ગ્રેડ પે ₹4200 તથા સાતમા પગારપંચ મુજબ પે લેવલ-6 (₹35,400–1,12,400)નો લાભ મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 હેઠળ ધોરણ 6 થી 8માં વિષયવાર શિક્ષકોની ભરતી માટે સ્નાતક અને બી.એડ. જેવી ઉચ્ચ લાયકાત ફરજિયાત છે. તેમ છતાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોને ધોરણ 1 થી 5ના શિક્ષકો સમાન પગારધોરણ આપવામાં આવે છે, જે સમાન લાયકાત અને જવાબદારીના સિદ્ધાંત સાથે સુસંગત નથી.
રજૂઆતમાં જણાવાયું છે કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનો વિષય આધારિત કાર્યબોજ માધ્યમિક શિક્ષકો કરતાં વધુ હોવા છતાં તેમને સમકક્ષ પગારધોરણ મળતું નથી. જ્યારે માધ્યમિક વિભાગમાં સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકોને ગ્રેડ પે ₹4200 તથા પે લેવલ-6 મુજબ પગાર ચૂકવવામાં આવે છે. તેથી ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોને પણ સમાન લાભ મળવો જોઈએ.
મહાસંઘે વધુમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓ, જવાહર નવોદય વિદ્યાલયો તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને દમણ જેવા રાજ્યોમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને આ પગારધોરણનો લાભ આપવામાં આવે છે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકાર સમકક્ષ પગારધોરણની નીતિ સ્વીકારી હોવાથી રાજ્યના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને પણ આ લાભ આપવો સમયની માંગ છે.
મહાસંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકો સરકારશ્રીની સ્પર્ધાત્મક ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા છે અને રાજ્યના શિક્ષણની ગુણવત્તા સુધારવામાં તેમનું મહત્વનું યોગદાન છે. તેમની લાયકાત અને જવાબદારીને અનુરૂપ પગારધોરણ મંજૂર કરવાથી શિક્ષકોમાં રહેલી અસંતોષની ભાવના દૂર થશે અને શિક્ષણની ગુણવત્તામાં વધુ વધારો થશે.
આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, રાજકોટ જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ હુંબલ, જિલ્લા મહામંત્રી શ્રી સાગરભાઈ પોપટ તથા જિલ્લા સંગઠન મંત્રી શ્રી રામલાલભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 8માં ફરજ બજાવતા હજારો શિક્ષકો માટે આ રજૂઆત અત્યંત મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકાર શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી આ વ્યાજબી માંગણીને હકારાત્મક રીતે સ્વીકારી ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને તેમની લાયકાત મુજબ ગ્રેડ પે ₹4200 સાથે સમકક્ષ પગારધોરણ મંજૂર કરશે તેવી અપેક્ષા છે.



