Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે વિંછીયા ખાતે વિજ્ઞાન પ્રવાહની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ

તા.૩/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વિજ્ઞાન પ્રવાહની શાળાના માધ્યમથી આ પંથકના વિદ્યાર્થીઓનું ડોક્ટર, એન્જિનિયર બનવાનું સ્વપ્ન પરિપૂર્ણ થશે
ગ્રામીણ ક્ષેત્રની દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અમલી
રૂ. ૪૪૯ લાખના ખર્ચે નિર્મિત શાળામાં ૮ વર્ગખંડો ઉપરાંત ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનની લેબોરેટરી, પુસ્તકાલય તેમજ કોમ્પ્યુટર લેબની સુવિધા
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ જસદણ, વિંછીયા પંથકમાં રૂ. ૫૯૪ લાખના વિવિધ વિકાસકામોની ભેટ આપી હતી. જેમાં સૌપ્રથમ મંત્રીશ્રીએ જસદણ તાલુકાના જીવાપર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યા બાદ વિંછીયા ખાતે વિજ્ઞાન પ્રવાહની નવનિર્મિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, આજે ખુલ્લી મૂકવામાં આવેલી આ વિજ્ઞાન પ્રવાહની શાળાને કારણે ગ્રામીણ ક્ષેત્રના બાળકો ડોક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિક બનવાના સ્વપ્નને પરિપૂર્ણ કરી શકશે.

મંત્રીશ્રીએ ખાસ કરીને દીકરીઓ ભણી ગણી આગળ વધે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું કે, આજે છેવાડાના વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળાઓ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે, ત્યારે તેમણે ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી હતી.

વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણના માધ્યમથી સારી રોજગારી મેળવી શકે તે માટે આઈ.ટી.આઈ.માં આધુનિક ટેકનિકલ શિક્ષણ તેમજ રોજગાર મેળાઓ મદદરૂપ બની રહ્યા હોવાનું શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ નવનિર્મિત શાળાનું વિધિવત પૂજન કરી તકતીનું અનાવરણ કર્યું હતું, આ સાથે તેઓએ વિવિધ વર્ગખંડોની મુલાકાત લીધી હતી.

શાળાના આચાર્યશ્રી કિશનભાઇ કોટડીયાએ ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષાની ગ્રાન્ટમાંથી રૂ. ૪૪૯ લાખના ખર્ચે નવનિર્મિત વિજ્ઞાન પ્રવાહ શાળાની વિશેષતા જણાવી હતી. શાળામાં ૮ વર્ગખંડો ઉપરાંત ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનની લેબોરેટરી, પુસ્તકાલય તેમજ કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે હેતુથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ શાળાના મેદાનમાં ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી ઉત્તમકુમાર કાનાણીએ વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દીની તકો વિશે વાત કરી હતી.
કાર્યક્રમમાં વિંછીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકબેન રોજીસરા, અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાકરીયા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



