RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જીવાપર ગામે રૂ. ૧૪૫ લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર ખુલ્લુ મૂકતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા

તા.૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આ આરોગ્ય કેન્દ્રના નિર્માણ થકી ગ્રામજનો માટે સ્થાનિક સ્તરે સારવાર ઉપલબ્ધ થઈ રહી છે

આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર ઉપરાંત આધુનિક લેબોરેટરી, પ્રસૂતિ વિભાગ, રસીકરણ, પોસ્ટમોર્ટમ સહિત છ બેડની સુવિધા

Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના જીવાપર ગામે આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આયુષ્માન આરોગ્ય મંદિર ખુલ્લુ મુકતા મંત્રીશ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, લોકોને નજીકના સ્થળે આરોગ્યની પૂરતી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજકોટ જિલ્લામાં જસદણ, વિંછીયા પંથકમાં પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણથી ગ્રામજનો માટે સ્થાનિક સ્તરે સારવાર ઉપલબ્ધ થઈ રહી હોવાનું મંત્રીશ્રીએ આનંદ સાથે જણાવ્યું હતું.

લોકોનું જીવન નિરામય બની રહે તે માટે આયુષ્માન આરોગ્ય મંદિર ખૂબ મદદરૂપ બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, નાના બાળકો, મહિલાઓ સહિત તમામ વર્ગના લોકોને શ્રેષ્ઠ સારવારની સુવિધા મળી રહે તે પ્રકારે આરોગ્ય મંદિરમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.

માત્ર આરોગ્ય ક્ષેત્રે જ નહી, પરંતુ રોડ રસ્તા, સિંચાઈ, પીવાના પાણી, શિક્ષણ અને રોજગારી સહિતના ક્ષેત્રોમાં પણ અનેક વિકાસ કામો હાલ ચાલી રહ્યા છે.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ. ૧૪૫ લાખના ખર્ચે નિર્મિત આરોગ્ય મંદિરનાં લોકાર્પણ બાદ ત્યાં વિવિધ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.

આધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જોષીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં ઓ.પી.ડી. સાથે છ બેડની સુવિધા, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસૂતિની સગવડ, સગર્ભા માતાઓ અને નવજાત બાળકો માટે રસીકરણ, ઇમરજન્સી ડ્રેસિંગ અને મેડિકોલીગલ કેસનું પોસ્ટમોર્ટમ, આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડની સુવિધા સહિત વિવિધ રોગોનાં નિદાન અને સારવારની સુવિધાઓનો લાભ આસપાસના ગામજનોને મળશે.

લોકાર્પણ પ્રસંગે અગ્રણીઓશ્રી ભાવેશભાઈ વેકરીયા તેમજ શ્રી ચંકીતભાઈ રામાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડો. ચંદનકુમાર રામે જસદણ, વિંછીયા પંથકમાં ઉપલબ્ધ આરોગ્ય કેન્દ્રની માહિતી પૂરી પાડી હતી.

આ કાર્યક્રમમાં જસદણ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન વેકરીયા, સરપંચશ્રી જનુબેન મિયાત્રા, મામલતદારશ્રી મહેશભાઈ બલિયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સહીત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!