Gondal: ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ગોંડલ નગરપાલિકા સજ્જ

તા.૩/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : હેમાલી ભટ્ટ
૨૪*૭ કંટ્રોલ રૂમ કાર્યરત : ગોંડલવાસીઓ ૦૨૮૨૫-૨૨૦૧૦૧ ઉપર સાધી શકે છે સંપર્ક
ગોંડલ નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૬૨૦૦થી વધુ નાગરિકો માટે વોર્ડ વાઇઝ આશ્રયસ્થાનો નક્કી કરાયા
ચાલુ વરસાદે પાણી ન ભરાય તે માટે ઇમરજન્સી મેન્યુઅલ ટીમ, આધુનિક ડ્રેનેજ મશીનરી અને ૨ જેટિંગ મશીન તૈનાત
Rajkot, Gondal: ચોમાસાની ઋતુમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ ઝોનની તમામ નગરપાલિકાઓ સજ્જ છે. રાજકોટ પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરી દ્વારા મળેલી માહિતી અનુસાર, ગોંડલ નગરપાલિકાની વાત કરીએ તો, ચોમાસા દરમિયાન ગોંડલ નગરપાલિકા દ્વારા રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેના નંબર ૦૨૮૨૫-૨૨૦૧૦૧ છે.

ઉપરાંત ભારે વરસાદની સ્થિતિમાં ગોંડલ નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૬૨૦૦થી વધુ નાગરિકો માટે વોર્ડ વાઇઝ આશ્રયસ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં. ૧માં રેલવે સ્ટેશન પાછળ, ગોકુલપુરા, મફતીયાપરા, ગુલાબનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૧૨૦૦ જેટલા લોકો માટે સીદીભાઈ બાળમંદિર અને શ્રી રાજપૂત સમાજ વાડી નક્કી કરાયા છે. વોર્ડ નં. ૨માં આશાપુરા ચોકડી પાસે ચુનારાવાડ, સાધુ સોસાયટી, જજ કોલોની પાસે નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૩૦૦ જેટલા લોકો માટે સ્વામીનારાયણ મંદિર, સ્વામીનારાયણ ગુરુકુળ, પટેલ વિદ્યાર્થી ભવન, દીપક હોલ અને રાધેશ્યામ વાડી આશ્રયસ્થાન તરીકે નક્કી કરાયા છે. વોર્ડ નં. ૩ અને ૪માં બાલાશ્રમ પાસે, નદીકાંઠાનો વિસ્તાર, વી.કે. બિલ્ડિંગની સામેનો વિસ્તાર તેમજ કંટોલીયા રોડ સુધીના નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧૫૦૦ લોકો માટે શાળા નં. ૫, બાલાશ્રમ, સગરજ્ઞાતિની વાડી, પટેલ વાડી, શાળા નં. ૧૨ અને શ્રી માંધાતા કોળી સમાજની વાડી તૈયાર રખાઈ છે.

આ ઉપરાંત વોર્ડ નં. ૫ના મોટીબજાર બાવાબારીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧૦૦ જેટલા લોકો માટે ખત્રી જ્ઞાતિની વાડી આશ્રય સ્થાન તરીકે નક્કી કરાયું છે. વોર્ડ નં. ૭ના ઉમવાડા રોડ વાલ્મિકીવાસ વિસ્તાર માટે હેમવાડી, સોની જ્ઞાતિની વાડી અને શિશુ મંદિર તેમજ વોર્ડ નં. ૧૧ ના વોરા કોટડા રોડ વિસ્તારના ૧૫૦૦ જેટલા લોકો માટે શાળા નં. ૧૬, બાલ ગોકુલ વ્યાસ વાડી, પાર્થ સ્કૂલ અને જૈન સંસ્કાર સ્કૂલને આશ્રયસ્થાન તરીકે નક્કી કરાયા છે. તેમજ મુક્તેશ્વર મેઈન રોડ પર સ્થિત રેન બસેરા સેન્ટર પણ ૧૫૦૦ લોકોની ક્ષમતા સાથે તૈયાર છે.

વધુમાં, ફાયર અને ઇમરજન્સી ટીમ ૨૪ કલાક એલર્ટ મોડ પર રહેશે. સાથોસાથ ચાલુ વરસાદ દરમિયાન ગોંડલ શહેરમાં કોઇ પણ જગ્યાએ વરસાદી પાણી ન ભરાય તે માટે ઇમરજન્સી મેન્યુઅલ ટીમ, આધુનિક ડ્રેનેજ મશીનરી તેમજ ૨ જેટિંગ મશીન પણ તૈનાત કરાયા છે.
આ સાથે જ ઇમરજન્સી તબીબી સેવા માટે ૩ એમ્બ્યુલન્સ, ૧ શબવાહિની, ૧ રેસ્ક્યુ વાહન તેમજ પીવાના પાણી માટે ૨ મીની અને ૩ મોટા વોટર ટેન્કરની વ્યવસ્થા કરાઇ છે. તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિમાં ગભરાવાને બદલે સતર્ક રહીને નગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



