NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં ૭ દિવસથી ધૂળ ખાતા ગૌમાતા ના પ્રાર્થનાપત્રો રાકેશભાઈ શર્માની સક્રિયતા બાદ જ આગળ વધ્યા..

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ 

ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવાની માંગ સાથે આપવામાં આવેલા પ્રાર્થનાપત્રો મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરી સુધી પહોંચાડવામાં ગંભીર બેદરકારી સામે આવી હોવાનું પ્રકરણ હાલ સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યું છે. નવસારી અને જલાલપોર મામલતદાર કચેરીમાં આપવામાં આવેલા કુલ ૮ જેટલા પ્રાર્થનાપત્રોના બંડલો ૭ દિવસ સુધી કલેક્ટર કચેરી સુધી ન પહોંચતા તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નચિહ્નો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તા. ૦૭/૦૫/૨૦૨૬ ગુરુવારના રોજ ગૌમાતાને ભારત સરકાર દ્વારા “રાષ્ટ્રીય માતા” જાહેર કરવાની માંગ સાથે દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધીને નવસારી જિલ્લાના છ તાલુકાઓમાંથી મામલતદાર મારફતે પ્રાર્થના અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રાર્થનાપત્રો નિયમસર કલેક્ટર કચેરી મારફતે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવાના હતા.

પરંતુ આજે તા. ૧૩/૦૫/૨૦૨૬ બુધવારના રોજ નવસારી જિલ્લાનાં આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ અને ગૌરક્ષક રાકેશભાઈ શર્મા જાતે નવસારી કલેક્ટર કચેરીએ કુલ ૧૬ પ્રાર્થનાપત્રોની સ્પીડ પોસ્ટ રસીદ મેળવવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચીખલી અને વાંસદા તાલુકાથી મોકલાયેલા બંચ તો કલેક્ટર કચેરી સુધી પહોંચી ગયા હતા, પરંતુ નવસારી અને જલાલપોર મામલતદાર કચેરીમાં આપવામાં આવેલા પ્રાર્થનાપત્રો હજુ સુધી કલેક્ટર કચેરીએ પહોંચાડવામાં આવ્યા નહોતા.

વિચાર કરવા જેવી બાબત એ છે કે નવસારી મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી એકબીજાની નજીક હોવા છતાં ૭ દિવસ સુધી પ્રાર્થનાપત્રો આગળ મોકલવામાં આવ્યા નહોતા. જ્યારે સંબંધિત કચેરી તરફથી પટ્ટાવાળો આવેલ ન હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક લોકોમાં હવે ચર્ચા ઉઠી રહી છે કે એક જિલ્લા સ્તરની જવાબદાર સરકારી કચેરીમાં માત્ર પટ્ટાવાળાના અભાવે સામાન્ય નાગરિકોના આવેદનપત્રો દિવસો સુધી અટવાઈ રહે તે કેટલા અંશે યોગ્ય ગણાય?

આ સમગ્ર મામલે રાકેશભાઈ શર્માએ જાતે લગભગ બે કલાક સુધી કચેરીમાં હાજર રહી તમામ ૮ પ્રાર્થનાપત્રો ઇનવર્ડ કરાવ્યા હતા અને સંબંધિત સ્ટાફ સાથે જઈ કલેક્ટર કચેરીમાં તેનો આઉટવર્ડ પણ કરાવ્યો હતો. ત્યારબાદ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા તેમણે ખાતરી આપી હતી કે તમામ ૧૬ બંચ હવે સ્પીડ પોસ્ટ મારફતે સંબંધિત પદાધિકારીઓને મોકલી આપવામાં આવશે અને તેની સત્તાવાર રસીદ પણ આપવામાં આવશે.

આ ઘટનાએ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ અને જવાબદારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. જો સમયસર તપાસ કરવામાં ન આવી હોત તો આ પ્રાર્થનાપત્રો ક્યારે મોકલાતા અથવા મોકલાતા પણ કે નહીં તે અંગે પણ લોકોમાં શંકા વ્યક્ત થઈ રહી છે.ભવિષ્યમાં નાગરિકોના આવેદનપત્રો સરકારી કચેરીઓમાં ધૂળ ખાતા ન રહે સમયસર જેતે અધિકારીઓ સુધી પહોંચે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!