GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપાના સર્વાંગી વિકાસને પાંખો: મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય, પાંચ વર્ષ સુધી વિનામૂલ્યે મળશે સરકારી જમીન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ફાયર સ્ટેશન, STP, WTP, પાણી પુરવઠો, ગટર, વેસ્ટ મેનેજમેન્ટ સહિત 11 મહત્વના જાહેર પ્રોજેક્ટને મળશે વેગ; નવી મહાનગરપાલિકાના ટ્રાન્ઝિશન ફેઝમાં વિકાસને મજબૂત આધાર

નવસારી મહાનગરપાલિકાના સર્વાંગી અને ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને દુરંદેશી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી નાગરિક સુખાકારીના 11 મહત્વના જાહેર પ્રોજેક્ટ માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયથી નવસારી મહાનગરપાલિકાના વિકાસને નવી દિશા અને ગતિ મળશે.

તાજેતરમાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી નવસારીમાં ટ્રાન્ઝિશન ફેઝ ચાલી રહ્યો છે અને શહેરની હદમાં નવા વિસ્તારોનો પણ સમાવેશ થયો છે. વધતી વસતી અને વિસ્તરતા શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખીને મૂળભૂત નાગરિક સુવિધાઓ ઝડપથી ઊભી કરવા માટે રાજ્ય સરકારનો આ નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના નિર્ણય મુજબ નવસારી મહાનગરપાલિકાને નગર સેવા સદન (કચેરી મકાન), ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર યોજના, પંપિંગ સ્ટેશન, પાણી પુરવઠા યોજનાઓ, સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, આંગણવાડી તેમજ ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર જેવા કુલ 11 મહત્વના જાહેર પ્રોજેક્ટ માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ નિર્ણયથી નવસારી શહેરમાં આધુનિક શહેરી સુવિધાઓના વિકાસને વેગ મળશે. ખાસ કરીને ફાયર સ્ટેશન, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, ગટર અને પાણી પુરવઠાની સુવિધાઓ, ઘન કચરા વ્યવસ્થાપન અને જાહેર સુવિધાઓના નિર્માણમાં ઝડપ આવશે. પરિણામે શહેરની વધતી જરૂરિયાતોને પહોંચી વળવામાં સરળતા રહેશે અને નાગરિકોને વધુ ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકારના આ નિર્ણયમાં નવસારી ઉપરાંત મહેસાણા, નડિયાદ, આણંદ, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે નવસારી મહાનગરપાલિકા માટે આ નિર્ણય ભવિષ્યના આયોજનબદ્ધ શહેરી વિકાસ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક મજબૂત પાયો સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!