નવસારી જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : ચાર IAS અધિકારીઓની બદલી સાથે નવી નિમણૂક…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં IAS અધિકારીઓની મોટા પાયે બદલી અને નવી નિમણૂકો જાહેર કરવામાં આવતા નવસારી જિલ્લામાં પણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ નવસારી જિલ્લામાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ પ્રાયોજના વહીવટદાર જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ યાદી નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે કાર્યરત ક્ષિપ્રા આગ્રેની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે MSME કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમની જગ્યાએ ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા મનીષ ગુરવાણીને નવસારી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને જયેશ ઉપાધ્યાયને નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જિલ્લા વિકાસ અધિકારી (DDO) પદ પર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ફરજ બજાવતા પુષ્પલતા અધિકારીની બદલી બાદ જીવાણી કાર્તિકભાઈ ને નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે વાંસદા ખાતે પ્રાયોજના વહીવટદાર તરીકે પ્રણય વિજયવર્ગીયની જગ્યાએ સ્વપ્નિલભાઈ ને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ વહીવટી ફેરફારોનો હેતુ વિકાસ કાર્યોને વધુ ગતિ આપવો, પ્રશાસનમાં કાર્યક્ષમતા વધારવી અને જિલ્લા સ્તરે સુશાસનને મજબૂત બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં નવા અધિકારીઓની નિમણૂક બાદ હવે વિવિધ વિકાસ કાર્યોમાં નવી દિશા અને ઝડપ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




