HALVAD:હળવદ જમીન કૌભાંડ: ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવી સરકારી જમીન પચાવી પાડનાર વધુ એક આરોપી ઝડપાયો







HALVAD:હળવદ જમીન કૌભાંડ: ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવી સરકારી જમીન પચાવી પાડનાર વધુ એક આરોપી ઝડપાયો


હળવદ તાલુકાના વિવિધ ગામોમાં સરકારી જમીનના રેવન્યુ રેકોર્ડમાં ચેડાં કરી, ખોટા દસ્તાવેજોના આધારે જમીન પોતાના નામે કરી લેવાના મોટા કૌભાંડમાં હળવદ પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા-ફરતા આરોપી બીજલ અમરશીભાઈ ઝેઝરીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે હળવદ પોલીસ સ્ટેશનમાં કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ શખ્સોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનોના રેવન્યુ રેકોર્ડમાં ફેરીફાર કરી, ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ્સ બનાવી જમીનો પોતાના નામે ચડાવી દીધી હતી.
આ જમીન કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બાકી રહેલા આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. સતત વોચ અને ખાનગી બાતમીદારોના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફને મહત્વની કડી મળી હતી.
ઝડપાયેલ આરોપી: બીજલ અમરશીભાઈ ઝેઝરીયારહેવાસી: ગામ અભેપર, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી સરકારી જમીન પચાવી પાડવી હળવદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કૌભાંડમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે અને કયા કયા અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે, તે દિશામાં પણ પોલીસ હવે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.



