MORBI:મોરબી ભાજપમાં ‘કુરુક્ષેત્ર’: મેયર પદ માટે કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા સામસામે આવ્યા.







MORBI:મોરબી ભાજપમાં ‘કુરુક્ષેત્ર’: મેયર પદ માટે કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા સામસામે આવ્યા.


મોરબી: મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર કોણ બનશે? આ સવાલ હવે ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે. ટિકિટ ફાળવણી બાદ હવે મેયર પદને લઈને ભાજપના બે દિગ્ગજ નેતાઓ, મંત્રી કાંતિ અમૃતિયા અને પૂર્વ સાંસદ મોહન કુંડારીયા વચ્ચેનો વિખવાદ જાહેરમાં આવ્યો છે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ભારે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો.
મળતી વિગતો મુજબ, મેયર પદ માટેના નામો નક્કી કરવા મળેલી બેઠકમાં પેનલના નામો સામે આવતા જ વિવાદ શરૂ થયો હતો. પેનલમાં સામેલ મોટાભાગના નામો કાંતિ અમૃતિયા જૂથના હોવાનું જણાતા મોહન કુંડારીયાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કુંડારીયા જૂથે નવા નામો પર ચર્ચા કરવાની જીદ પકડતા વાતાવરણ તંગ બન્યું હતું.મામલો એટલો બિચક્યો કે અંતે મેયર પદની ચર્ચાને હાલ પૂરતી પડતી મૂકવાની ફરજ પડી હતી.આ કોઈ પ્રથમ વખત નથી જ્યારે મોરબી ભાજપમાં આ બંને જૂથો આમને-સામને આવ્યા હોય. અગાઉ ચૂંટણી વખતે ટિકિટ ફાળવણીમાં પણ મોટી ખેંચતાણ જોવા મળી હતી
ચૂંટણી વખતે મોહન કુંડારીયા જૂથ વધુ ટિકિટો મેળવવામાં સફળ રહ્યું હતું. પોતાના જૂથને ઓછી ટિકિટો મળતા કાંતિ અમૃતિયામાં પહેલેથી જ નારાજગી હતી. હવે મેયર પદ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કાંતિ અમૃતિયા જૂથે એડીચોટીનું જોર લગાવ્યું છે, જેની સામે કુંડારીયા જૂથ મચક આપવા તૈયાર નથી. મોરબી મનપાના પ્રથમ મેયરની વરણી હવે માત્ર વહીવટી પ્રક્રિયા નથી રહી, પરંતુ બંને નેતાઓ માટે ‘શક્તિ પ્રદર્શન’નો જંગ બની ગઈ છે.હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતાગીરી આ આંતરિક કલહને શાંત પાડવામાં સફળ રહે છે કે પછી મોરબી ભાજપમાં આ જૂથવાદ વધુ ઘેરો બનશે…?




