

વાંસદા તાલુકામાં વસ્તી ગણતરી કામગીરી દરમિયાન શિક્ષકો સાથે અપમાનજનક વર્તનના આક્ષેપથી રોષ : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રાંત અધિકારીને સોંપ્યું આવેદનપત્ર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ચાલી રહેલી વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન પ્રાથમિક શિક્ષકો સાથે થયેલા કથિત અયોગ્ય વર્તનના મુદ્દે શિક્ષક સમાજમાં ભારે અસંતોષ અને રોષનો માહોલ સર્જાયો છે. તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ નાયબ મામલતદાર સામે અપમાનજનક ભાષા અને અહંકારભર્યા વર્તનના ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર ઘટનાને લઈને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, વાંસદા તાલુકા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વસ્તી ગણતરી કામગીરી સંબંધિત કેટલીક વ્યવહારુ સમસ્યાઓ અને રજૂઆતોને લઈને તાલુકાના પ્રાથમિક શિક્ષકો નાયબ મામલતદાર સોનલબેનને મળવા પહોંચ્યા હતા. શિક્ષકોનો આક્ષેપ છે કે તેમની રજૂઆતને ગંભીરતાથી સાંભળવા બદલે તેમની સાથે તોછડાઈભર્યું અને અસંવેદનશીલ વર્તન કરવામાં આવ્યું હતું.
શિક્ષકવર્ગના જણાવ્યા મુજબ, રજૂઆત દરમિયાન “જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો, મને કંઈ ફરક પડતો નથી” જેવા શબ્દો ઉચ્ચારાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ભાષા અને વલણથી શિક્ષકોના આત્મસન્માનને ઠેસ પહોંચી હોવાનું તેઓએ જણાવ્યું છે. શિક્ષકોમાં એવી લાગણી વ્યાપી છે કે, શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મયોગીઓ સાથે જો આવી રીતે વર્તન કરવામાં આવે તો તે સરકારી તંત્રની સંવેદનહીનતા અને અહંકારપૂર્ણ માનસિકતાને ઉજાગર કરે છે.
આ સમગ્ર મામલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર અધિકારી સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. શિક્ષક સમાજે જણાવ્યું છે કે, આવી ઘટનાઓથી શિક્ષકોમાં માનસિક અસ્વસ્થતા અને નિરાશા ફેલાય છે, જે શિક્ષણ વ્યવસ્થાને પણ પ્રભાવિત કરી શકે છે. હાલ આ મુદ્દો સમગ્ર વાંસદા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો




