
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

જલારામ સેવા ટ્રસ્ટ અને જલારામ જન સેવા પ્રતિષ્ઠાન ના સંયુક્ત ઉપક્રમે વાંસદા ખાતે માનવસેવાનો વધુ એક સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. છેલ્લા અંદાજે ૩૫ વર્ષથી સમાજસેવાના વિવિધ કાર્યોમાં અવિરત કાર્યરત ટ્રસ્ટ દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ બનવા રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વાંસદાના જલારામ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સાથે વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા ઓછી કિંમતે ગુણવત્તાસભર નોટબુક ઉપલબ્ધ કરાવવામાં આવતા વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ નટવરલાલ પંચાલ સહિત ટ્રસ્ટીગણ, સેવાભાવી આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સહાયરૂપ થવું એ સાચી સમાજસેવા છે.
જલારામ સેવા ટ્રસ્ટ માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઓળખાય છે. ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન, જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ, આરોગ્યલક્ષી સહાય અને માનવતાભર્યા અનેક કાર્યક્રમો સતત યોજાતા રહ્યા છે, જેના કારણે ટ્રસ્ટ પ્રત્યે લોકોમાં વિશેષ વિશ્વાસ અને લાગણી જોવા મળે છે.
ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નોટબુકનો સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી આ સેવા ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે દરરોજ સવારે ૮:૩૦ કલાકથી સાંજે ૬:૩૦ કલાક સુધી જલારામ હોલ ખાતે નોટબુક ઉપલબ્ધ રહેશે.
આવતીકાલે પણ વાંસદાના જલારામ હોલ ખાતે રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાનાર હોવાથી વધુમાં વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ યોજનાનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.




