MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચડત ભાડાની આડમાં મકાન માલિકે માતા-પુત્રી પર આચર્યું દુષ્કર્મ

 

MORBI:મોરબી ચડત ભાડાની આડમાં મકાન માલિકે માતા-પુત્રી પર આચર્યું દુષ્કર્મ

મોરબી: મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સભ્ય સમાજ માટે કલંકરૂપ કહી શકાય તેવી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આર્થિક મજબૂરી અને ચડત ભાડાની આડમાં એક પિતાએ જ પોતાની પત્ની અને સગીર દીકરીનું શારીરિક શોષણ કરવાની મંજૂરી મકાન માલિકને આપી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આજથી આશરે ૬ મહિના પહેલા એક પરિવાર મજૂરી કામ અર્થે મોરબી આવ્યો હતો અને માસિક ૨૦૦૦ રૂપિયાના ભાડે મકાન રાખ્યું હતું. જોકે, પતિ પાસે કામધંધો ન હોવાથી મકાનનું ભાડું ચડી ગયું હતું. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી નરાધમ મકાન માલિકે ભાડુઆત પતિની સંમતિથી તેની પત્ની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.

હદ તો ત્યારે થઈ જ્યારે મકાન માલિકની નજર ૧૩ વર્ષ અને ૭ માસની માસૂમ દીકરી પર બગડી. ચડત ભાડાનું દબાણ કરી અને પિતાની સંમતિથી આ સગીર દીકરીને લલચાવી-ફોસલાવી તેની સાથે પણ અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનામાં આરોપીઓએ પીડિતાઓને પોતાના ઘરે તેમજ ટંકારા ખાતે લઈ જઈને પણ શોષણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય એક સહ-આરોપીએ પણ પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.

ભોગ બનનાર માતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર પાપલીલાનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પતિ અને મકાન માલિકને ઝડપી લીધા છે. નરાધમ પતિ હાલ જેલના સળિયા પાછળ છે, જ્યારે મુખ્ય આરોપી મકાન માલિકના ૧ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલો અન્ય એક સહ-આરોપી હાલ ફરાર છે. તેને પકડી પાડવા મોરબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!