
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા “લવ જેહાદ” જેવા બનાવોને લઈને જનજાતિ સમાજ અને હિન્દુ સમાજમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ સર્જાયો છે. વિધર્મીઓએ યુવતીઓને ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવવાના અને માનસિક રીતે શોષણ કરવાના આક્ષેપોને લઈને સમાજના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો એકજૂટ બની તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ સાથે મેદાને ઉતર્યા છે.

વાંસદા મામલતદારને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા બે અઠવાડિયામાં બનેલી કેટલીક ગંભીર ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું કર્યું છે. ખાસ કરીને જનજાતિ સમાજની દીકરીઓને નિશાન બનાવી સોશિયલ મીડિયા, મોબાઇલ અને ખોટી ઓળખના આધારે પ્રેમસંબંધોમાં ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

આવેદનમાં કડક શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “હવે સમાજ પોતાની દીકરીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો ખેલ સહન નહીં કરે.” સમાજના પ્રતિનિધિઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો સમયસર અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો વાંસદા સહિત સમગ્ર વિસ્તારમાં ઉગ્ર જનઆંદોલન ઉભું થઈ શકે છે.
આક્ષેપો મુજબ કેટલાક વિધર્મી પરપ્રાંતીય તત્વો વર્ષોથી વાંસદા વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે અને વિવિધ ધંધાઓના બહાને યુવતીઓ સુધી પહોંચી મોબાઇલ નંબર મેળવી સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા વધારી છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો સામે આવી છે. સાથે સાથે ગાંજા, ચરસ અને અન્ય કેફી પદાર્થોના વેપાર દ્વારા યુવાનોને નશાના ચંગુલમાં ધકેલવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
સમાજના આગેવાનોએ તંત્ર પાસે માંગ કરી છે કે:
“લવ જેહાદ” સંબંધિત તમામ બનાવોની વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસ થાય,
ખોટી ઓળખ અને છેતરપિંડી કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી થાય,
સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે,
સોશિયલ મીડિયા પર યુવતીઓને નિશાન બનાવતા તત્વો પર નજર રાખવામાં આવે,
શાળા અને કોલેજોમાં દીકરીઓ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે,
લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે “આ માત્ર એક પરિવાર કે સમાજનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર સમાજની સંસ્કૃતિ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો છે.”
આવેદનની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ નવસારી કલેક્ટરને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.





