MORBI :હોસ્પિટલ વિસ્તાર કે પાર્કિંગ પ્લોટ? મોરબીવાસીઓ પૂછી રહ્યા છે સવાલ.







MORBI :હોસ્પિટલ વિસ્તાર કે પાર્કિંગ પ્લોટ? મોરબીવાસીઓ પૂછી રહ્યા છે સવાલ.


જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ અને રસ્તામાં નડતા વાહનો: શું તંત્ર જાગશે?

સવાસર પ્લોટમાં એમ્બ્યુલન્સ નીકળવી પણ મુશ્કેલ; હોસ્પિટલના પાર્કિંગમાં મેડિકલ સ્ટોર્સ ધમધમતા હોવાનો આક્ષેપ, તંત્રની લાપરવાહી સામે ઉઠતા સવાલો.
તાજેતરમાં જ પ્રજાનું ભલું કરવાના વચનો સાથે સત્તા પર આવેલા નવનિયુક્ત કોર્પોરેટરો માટે આ એક કસોટીનો સમય છે
મોરબીનો સૌથી મહત્વનો ગણાતો હોસ્પિટલ વિસ્તાર એટલે કે સવાસર પ્લોટ અત્યારે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી ઘેરાયેલો છે. અહીં સર્જાયેલી આડેધડ પાર્કિંગની સ્થિતિને જોતા એવું લાગે છે કે તંત્ર માટે ‘ઇમરજન્સી’ શબ્દની વ્યાખ્યા માત્ર એક રમત બની ગઈ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે એમ્બ્યુલન્સ તો દૂર, સામાન્ય બાઇક ચાલકને પણ રસ્તો કાઢવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે.
મોરબીમાં સાવસાર પ્લોટ વિસ્તાર એટલે કે હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગને કારણે અનેક દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પોલીસ પણ રોકતી નથી ત્યારે બીજી તરફ આડેધડ પાર્ક કરેલ વાહનો એમ્બ્યુલન્સને રોકવા માટે મજબૂર કરે છે.આજુ બાજુમાં આવેલ હોસ્પિટલોમાં “મંજૂરી”અનુસંધાને પાર્કિંગ તો કર્યા છે પરંતુ આ પાર્કિગમાં વાહનોને બદલે મેડિકલ સ્ટોર્સ,લેબોરેટરી બનાવી દેવામાં આવી છે અને એ પણ ઠીક પણ દર્દીઓના વાહનોને હોસ્પિટલના પાર્કિગમાં પાર્ક પણ કરવાની મનાઈ કરવામાં આવે છે તો મોરબી ટ્રાફિક પોલીસ પાસે હાલમાં ટોઈંગ ક્રેનની સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં, હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આ ક્રેનનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો જ્યારે ટ્રાફિકમાં ફસાય છે, ત્યારે દર્દીનો જીવ જોખમમાં મૂકાય છે. પોલીસ અને તંત્રની આ નિષ્ક્રિયતા હવે પ્રજા માટે માથાનો દુખાવો બની છે.
મોરબીની જનતા ઇચ્છી રહી છે કે તંત્ર માત્ર કાગળ પરના નિયમો ને બદલે મેદાનમાં ઉતરી કામગીરી કરે. જો તાત્કાલિક અસરથી સવાસર પ્લોટમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો કોઈ મોટી હોનારત સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.





