TANKARA:ટંકારાના ભૂતકોટડાના ખેડૂતો માટે સિંચાઈનો પ્રશ્ન વિકટ: મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકવા કલેક્ટરને રજૂઆત







TANKARA:ટંકારાના ભૂતકોટડાના ખેડૂતો માટે સિંચાઈનો પ્રશ્ન વિકટ: મીતાણા ડેમની કેનાલ પર કાયમી વાલ્વ મૂકવા કલેક્ટરને રજૂઆત


ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામ અને તેની આજુબાજુના વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન અત્યંત વિકટ બન્યો છે. ગામની સૂકી ભઠ્ઠ જમીનને ફરી લીલીછમ બનાવવા અને ખેતીને સમૃદ્ધ કરવા માટે ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ (કાયમી) વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભૂતકોટડા વિસ્તારમાં ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે મોટી માત્રામાં ખેતીલાયક જમીન સૂકી ભઠ્ઠ પડી રહી છે. જો મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવાની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, તો ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેમ છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ અને શિયાળાની સીઝનમાં જો નદીમાં પાણી છોડવામાં આવે, તો ખેડૂતોને રવિ પાક માટે મોટી મદદ મળી શકે તેમ છે. આ વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે ખેતી વધુ સમૃદ્ધ બનશે અને ખેડૂતો આર્થિક સંકટમાંથી ઊગરી શકશે.
ભૂતકોટડા ગામની ખેતીનો આધાર સિંચાઈના પાણી પર નિર્ભર છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી બન્યું છે. ગ્રામ પંચાયતે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને મીતાણા ડેમની કેનાલ પર તાત્કાલિક કાયમી વાલ્વ મૂકવા અને મીતાણા નદીમાં પાણી છોડવા અંગે યોગ્ય અને વહેલી તકે કાર્યવાહી કરવા મોરબી કલેક્ટર સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે.



