
ગેરકાયદેસર ચેકપોસ્ટોથી ખેડૂતો અને સામાન્ય નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા ચૈતર વસાવા ની માંગ.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 16/05/2026 – ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે નર્મદા કલેક્ટર અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ડામરના રોડના તમામ કામો સત્વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ ઉભી થતી હોવાના મુદ્દે નવા હેન્ડપંપો મૂકવામાં આવે અને જે હેન્ડપંપો રિપેર કરવા યોગ્ય છે, તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે તે માટે ગામ પંચાયતો, પાણી પુરવઠા વિભાગ અને તાલુકા પંચાયતોને તાકીદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત મનરેગા હેઠળ વધુમાં વધુ લોકોને રોજગારી મળે, ફોરેસ્ટ વિભાગમાં સ્થાનિક લોકોને રોજગાર આપવામાં આવે અને વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને સરકારશ્રીના લઘુત્તમ વેતન ધારા મુજબ યોગ્ય વેતન મળે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા ખાસ કરીને સાગબારા, જીપદા અને ડેડિયાપાડા તાલુકામાં લાંબી લાઈનો લાગી રહી છે, ત્યારે સરકાર અને સંબંધિત તંત્ર લોકોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ખાતરની અછત મામલે પણ સત્વરે નિરાકરણ આવે તેની રજૂઆત કરી છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 73AAના ભંગની ફરિયાદો, લેન્ડ ગ્રેબિંગ અને પેસા એક્સના ભંગની ફરિયાદો મળી રહી છે, જેના પર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટો જેમ કે ઘંસેરા, વેસરા ટેકરા, સેતપુર, કલખાલા અને ગમથલા ખાતે ખેડૂતો, શાકભાજી વેચવા જતા લોકો અને સામાન્ય નાગરિકોને હેરાનગતિ થતી હોવાના મુદ્દે પણ ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે લોકોની અવરજવર અને રોજગાર પર અસર થાય તે રીતે કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થવી જોઈએ. ડેડિયાપાડા તાલુકા પંચાયતનું મકાન જર્જરીત હાલતમાં હોવાથી તેનું સત્વરે નવીનીકરણ કરવામાં આવે તેમજ આંગણવાડી, શાળા અને નર્મદા જિલ્લાના અન્ય વિકાસ સંબંધિત પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં હાજર અધિકારીઓએ તમામ પ્રશ્નોનો સકારાત્મક અભિગમથી ઉકેલ લાવી ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાની બાહેંધરી આપી હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું હતું.




