આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે આવતીકાલે તારીખ ૧૭ મેના રોજ માળિયા હાટીના ખાતે પ્રોટોકોલ યોગ શિબિર યોજાશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે આવતીકાલે તારીખ ૧૭ મેના રોજ માળિયા હાટીના ખાતે પ્રોટોકોલ યોગ શિબિર યોજાશે

માળીયાહાટીના ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે “પ્રોટોકોલ યોગ શિબિર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યોગ દ્વારા શરીર, મન અને આત્માને એકરૂપ બનાવી સ્વસ્થ, શાંત અને સુખમય જીવન જીવવાનો સંદેશ આપતી આ વિશેષ યોગ શિબિર તા. ૧૭ મે, ૨૦૨૬ રવિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૩૦ કલાકે રણછોડનગર સાર્વજનિક પ્લોટ, માળીયાહાટીના ખાતે યોજાશે.યોગ એ જીવનનો અમૂલ્ય ઉપહાર છે, જે વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે. યોગથી મળતી શાંતિ, સ્વાસ્થ્ય અને સકારાત્મકતા જીવનની સાચી સંપત્તિ છે. આ શિબિરનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવી સ્વસ્થ, સશક્ત અને સંસ્કારી સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવાનો છે. આ યોગ શિબિરમાં ઝોન કો-ઓર્ડિનેટર ચેતાબેન ગજેરા, જિલ્લા કો-ઓર્ડિનેટર જયંતિ કાછડીયા તેમજ યોગ કોચ તરીકે દક્ષાબેન ચાવડા, કિરણબેન કારીયા અને કૃપાબેન સાદરીયા સહિત માળીયાહાટીનાના તમામ યોગ ટ્રેનરો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. શિબિર દરમિયાન યોગાસન અને પ્રાણાયામ, ધ્યાન અને શાંતિ સત્ર, યોગથી આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ, માનસિક સ્વાસ્થ્ય અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, સકારાત્મક વિચાર અને જીવન મૂલ્યો જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. બાળકો, યુવાનો અને વડીલો માટે લાભદાયી તેમજ સર્વ માટે સરળ અને ઉપયોગી યોગ પ્રયોગોનું પ્રદર્શન પણ કરવામાં આવશે. અંતે સમાપન પ્રાર્થના અને શાંતિ પાઠ યોજાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાનારી આ વિશેષ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બને તેવો આયોજકો દ્વારા અખબાર યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





