NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં તા. ૧૭ મે થી ૩૧ મે સુધી se.census.gov.in પોર્ટલ પર નાગરિકો સ્વયં નોંધાવી શકશે માહિતી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરી અંતર્ગત નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને સ્વ-ગણતરી (Self Enumeration) માટે જાહેર અપીલ કરવામાં આવી છે. આ સુવિધા તા. ૧૭ મે, ૨૦૨૬ થી તા. ૩૧ મે, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે, વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા છે, જેના આધારે દેશની વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીના આધારે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસકાર્યો તથા નીતિ આયોજન કરવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત નાગરિકો નિર્ધારિત સ્વ-ગણતરી પોર્ટલ se.census.gov.in પર જઈ પોતાની તથા પોતાના પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ તા. ૦૧ જૂન થી તા. ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ઘરયાદી અને મકાનોની ગણતરી (HLO) કામગીરી હાથ ધરાશે, જેમાં વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે અને સ્વ-ગણતરી કરનારાઓના SE ID ની ચકાસણી કરશે.

જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બની સાચી અને સંપૂર્ણ માહિતી પ્રદાન કરે. વસ્તી ગણતરી હેઠળ એકત્રિત થતી તમામ માહિતી વસ્તી ગણતરી અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવશે. સ્વ-ગણતરી કરવાની સરળ પ્રક્રિયા:se.census.gov.in પર પ્રવેશ કરો.પરિવારની નોંધણી કરો. ભાષા પસંદ કરી મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.રહેણાંક સ્થળની વિગતો ભરો.નકશામાં દર્શાવેલ લાલ માર્કરને પોતાના ઘર પર મૂકી સેવ કરો. પૂછાયેલા તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપો. અંતે માહિતી ચકાસી જરૂરી હોય તો સુધારો કરીને સબમિટ કરો. નવસારી જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને વસ્તી ગણતરી અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપવા તથા વસ્તી ગણતરી-૨૦૨૭ને સફળ બનાવવા અનુરોધ કર્યો છે।

Back to top button
error: Content is protected !!