AHAVANAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી : વર્કશોપ, લાઇવ ડેમો અને IEC અભિયાનથી લોકોમાં જાગૃતિ ફેલાઈ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

“Check, Clean and Cover” થીમ અંતર્ગત અગ્રવાલ કોલેજ ખાતે વર્કશોપ, લાઇવ ડેમો અને વ્યાપક IEC પ્રવૃત્તિઓ યોજાઈ

 

નવસારી જિલ્લામાં તા.૧૬મી મેના રોજ “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ-૨૦૨૬” નિમિત્તે અગ્રવાલ કોલેજ, નવસારી ખાતે વિશેષ વર્કશોપ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેન્દ્ર રંગુનવાલા, ઇન્ચાર્જ જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો. રાહુલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, અગ્રવાલ કોલેજના આચાર્યશ્રી, મેડિકલ ઓફિસરશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ, અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે વર્ષ ૨૦૨૬ માટેની રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ “Community Participation Dengue Control : Check, Clean and Cover” અંતર્ગત “સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ : પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ” અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે અપનાવવામાં આવતી વિવિધ કામગીરી અંગે ઓડિયો-વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. સાથે જ મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છર, મચ્છરના પોરાં તથા પોરાભક્ષક ગપ્પી માછલીઓનું લાઇવ ડેમોંસ્ટ્રેશન પણ યોજાયું હતું.

 

વધુમાં, જિલ્લામાં આવેલ તમામ તાલુકાઓમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો દ્વારા જનજાગૃતિ શિબિરો, રેલી, નિદર્શન કાર્યક્રમો, પત્રિકા વિતરણ, પોસ્ટર પ્રદર્શન તેમજ વોટ્સએપ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા IEC અંતર્ગત વ્યાપક પ્રચાર-પ્રસાર હાથ ધરવામાં આવ્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ડેન્ગ્યુનો પ્રકોપ વ્યાપક પ્રમાણમાં નોંધાઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ડેન્ગ્યુના ૪૨૩૩ કેસ નોંધાયા હતા, જ્યારે નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ૯૮ કેસ નોંધાયેલા હતા. ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સાતત્યપૂર્ણ કામગીરી સાથે જનસમુદાયના સહયોગની પણ અત્યંત જરૂરિયાત છે.

 

આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ઘરની અંદર અને આસપાસ ભરાયેલા ચોખ્ખા પાણીના પાત્રોને દર અઠવાડિયે ઘસીને સાફ કરવા, પાણી ભરાવા ન દેવા, બંધિયાર પાણીનો સમયસર નિકાલ કરવા તથા પાણી ભરાય તેવા તમામ પાત્રોને ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દર રવિવારે “ડ્રાય ડે” તરીકે ઉજવી સવારે ૧૦ વાગ્યે માત્ર ૧૦ મિનિટ પોતાના ઘર અને આસપાસના વિસ્તારની સફાઈ માટે ફાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે “૧૦ વાગ્યે ૧૦ મિનિટ” અભિયાન અંતર્ગત પોતાના ઘર તથા ઘરની આસપાસના ૧૦ મીટર વિસ્તારમાં રહેલા પાણીના તમામ પાત્રોની સફાઈ કરવી, નકામી ચીજવસ્તુઓનો નિકાલ કરવો અને આ સંદેશ વધુમાં વધુ ૧૦ લોકોને પહોંચાડવો જરૂરી છે, જેથી ડેન્ગ્યુ નિયંત્રણમાં જનભાગીદારીથી સફળતા પ્રાપ્ત કરી શકાય.

Back to top button
error: Content is protected !!