RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૧૭મી મે હાયપરટેન્શન દિવસ : આ સમસ્યા સામે લડવા જીવનશૈલીમાં સુધારો જરૂરી

તા.૧૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ

‘સાથે મળીને હાયપરટેન્શન પર નિયંત્રણ મેળવીએ’ની થીમ સાથે ઉજવણી

સાયલન્ટ કિલર ‘હાયપરટેન્શન’થી બચવા યોગ, આહાર અને વ્યાયામને બનાવો મુખ્ય શસ્ત્ર

Rajkot: વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય માટે પડકારરૂપ બનેલા હાઈ બ્લડપ્રેશર સામે લડવા માટે ‘સાથે મળીને હાયપરટેન્શન પર નિયંત્રણ મેળવીએ’ના સંકલ્પ સાથે ૧૭મી મેના રોજ ‘વર્લ્ડ હાયપરટેન્શન ડે’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસના માધ્યમથી વધતા જતા બ્લડપ્રેશરની ગંભીર અસરો વિશે લોકોને શિક્ષિત કરી, સ્વસ્થ જીવનશૈલી તરફ વળવા આહવાન કરવામાં આવ્યું છે.

રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. રાહુલ ગંભીર આ અંગે સંદેશ આપતા જણાવે છે કે,

“હાયપરટેન્શન એ એક ‘સાયલન્ટ કિલર’ છે, જે આજના સમયમાં માનસિક તણાવ અને અનિયમિત જીવનશૈલીને કારણે ઝડપથી વધી રહ્યું છે. આ વર્ષની થીમ મુજબ, આપણે સૌએ સાથે મળીને આ બીમારી સામે લડવાનું છે. જે લોકોને વારસામાં આવી બીમારી મળવાની શક્યતા હોય અથવા જેઓ પહેલેથી જ આ બીમારીથી પીડાતા હોય, તે તમામ માટે જીવનશૈલીમાં ફેરફાર એ દવા જેટલું જ અસરકારક પરિણામ આપે છે. માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે દરેક વખતે દવાની જરૂર નથી હોતી, માત્ર હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાથી પણ બ્લડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.”

માનસિક સ્વાસ્થ્ય અને હાયપરટેન્શન વચ્ચેનો સંબંધ :

હાયપરટેન્શનના નિવારણમાં માનસિક સ્વાસ્થ્ય અત્યંત મહત્વનું છે. તણાવ (સ્ટ્રેસ) એ હાઈ બ્લડપ્રેશર માટેનું એક મુખ્ય કારણ છે. તબીબોના મતે, આધુનિક જીવનમાં સ્ટ્રેસને સંપૂર્ણપણે દૂર કરવો શક્ય નથી, પરંતુ તેને યોગ્ય રીતે મેનેજ કરવો અનિવાર્ય છે.

ડો. ગંભીરના જણાવ્યા અનુસાર, હાયપરટેન્શન, ડાયાબિટીસ અને ઓબેસિટી (મેદસ્વિતા) એ નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCD) છે, જે કોઈ જીવાણુથી નહીં પરંતુ વિવિધ પરિબળોના કારણે થાય છે. હાયપરટેન્શન પાછળ મુખ્યત્વે બે પ્રકારના પરિબળો જવાબદાર હોય છે:

1. નોન-મોડિફાયેબલ (બદલી ન શકાય તેવા) પરિબળો:

જેમાં વ્યક્તિના જિનેટિક્સ (વારસાગત લક્ષણો) અને તે જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવા જેવા પરિબળોનો સમાવેશ થાય છે, જેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી.

2. મોડિફાયેબલ (સુધારી શકાય તેવા) પરિબળો:

આ એવા પરિબળો છે જેમાં સુધારો કરીને હાયપરટેન્શનથી બચી શકાય છે અથવા તેને નિયંત્રિત કરી શકાય છે:

ખોરાક અને જીવનશૈલી : અત્યારના સમયમાં ફેટવાળો અને તૈયાર ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો અત્યંત જરૂરી છે.

વ્યાયામનો અભાવ: બેઠાડું જીવન હાયપરટેન્શનનું મુખ્ય કારણ છે. દિવસમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ હળવી કસરત કે ચાલવાની આદત રાખવી જોઈએ.

વ્યસનમુક્તિ: ધૂમ્રપાન કે તમાકુ (નિકોટીન)નું કોઈપણ સ્વરૂપે સેવન આરોગ્ય માટે જોખમી છે.

આટલું તો ચોક્કસ કરીએ

ડો. ગંભીર જણાવે છે કે,

આહારમાં લીલા શાકભાજી, ફળો, કઠોળ અને પ્રોટીનનો સમાવેશ કરવો.

ખાંડ, મીઠું અને મેંદાથી બનેલી વસ્તુઓ (જંક ફૂડ) પર નિયંત્રણ રાખો.

રાત્રે ઓછામાં ઓછી ૭થી ૮ કલાકની સારી ઊંઘ લેવી.

સોશિયલ મીડિયાના બિનજરૂરી વપરાશને ઘટાડવો.

જીવનમાં યોગ અને ધ્યાનને સ્થાન આપવું.

આમ, ‘વર્લ્ડ હાયપરટેન્શન ડે’ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા શરીરની નિયમિત તપાસ કરાવીશું અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી હૃદયરોગ અને હાયપરટેન્શન જેવી બીમારીઓને દૂર રાખીશું.

Back to top button
error: Content is protected !!