Rajkot: નાગરિકો વસ્તીગણતરી માટે જાતે કરી શકશે રજિસ્ટ્રેશન, ૧૭ થી ૩૧ મે સુધી ઓનલાઈન પોર્ટલ રહેશે કાર્યરત

તા.૧૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
સેલ્ફ-એન્યુમેરેશન માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ
મોબાઈલ અને ઓટીપી દ્વારા ડેટાની એન્ટ્રી કરી શકાશે
Rajkot: ભારત સરકાર દ્વારા આગામી સમયમાં ‘વસ્તીગણતરી-૨૦૨૭’ હાથ ધરાનાર છે, જેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તા. ૧ જૂનથી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (ઘર યાદી અને મકાનોની ગણતરી) હાથ ધરાનાર છે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા તા. ૧૭ મેથી ૩૧ મે સુધી સેલ્ફ-એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માટે પોર્ટલ se.census.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે.

આ સુવિધા હેઠળ નાગરિકો હવે વસ્તીગણતરીના અધિકારી ઘરે આવે તે પહેલાં જ પોતાની અને પરિવારની વિગતોની ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ડિજિટલ માધ્યમથી ડેટા એન્ટ્રી કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ફ્લો ચાર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.
સત્તાવાર વિગતો મુજબ, સેલ્ફ-એન્યુમેરેશનની પ્રક્રિયા મુખ્ય ચાર તબક્કા અને નવ પગલાંમાં વહેંચાયેલી છે.
પ્રથમ તબક્કામાં પ્રાથમિક રજિસ્ટ્રેશન થશે, જેમાં (૧) નાગરિકોએ વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગઇન કરવાનું રહેશે. (૨) ત્યારબાદ પરિવારના વડાનું નામ અને ૧૦ આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહત્વનું છે કે, એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે અને પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં.
બીજા તબક્કામાં વેરિફિકેશન અને લોકેશનની ઓળખ કરાશે, જેમાં (૩) ભાષાની પસંદગી અને ઓટીપી વેરિફિકેશન કરાવવાનું રહેશે. (૪) ત્યારબાદ લોકેશનની વિગતો આપવાની રહેશે, જેમાં જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરવાની રહેશે. (૫) પછીથી મેપ પર લાલ માર્કર થકી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે.
ત્રીજા તબક્કામાં ડેટા એન્ટ્રી અને ફાઈનલ સબમિશન કરવાનું રહેશે, જેમાં (૬) વસ્તીગણતરીને લગતા પ્રશ્નોના જવાબ આપીને ડેટા એન્ટ્રી કરવાની રહેશે. (૭) બાદમાં પ્રિવ્યૂમાં જઈને તમામ વિગતો ચકાસવાની રહેશે. જરૂર પડ્યે તેને એડિટ કરી શકાશે, પછીથી સબમિટ કરવા માટે ડ્રાફ્ટ તરીકે સેવ પણ કરી શકાશે અથવા ફાઈનલ સબમિટ કરી શકાશે. (૮) ફાઈનલ સબમિટ પર ક્લિક કરવાથી ડેટા લોક થઈ જશે અને તેમાં કોઈ બદલાવ નહીં કરી શકાય. આ સાથે ૧૧ આંકડાનો યુનિક ‘SE ID’ જનરેટ થશે, જે મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.
ચોથા તબક્કામાં ફીલ્ડ કર્મચારી દ્વારા ખરાઈ કરાશે, જેમાં (૯) છેલ્લે જ્યારે વસ્તીગણતરીના કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી નંબર બતાવવાનો રહેશે. જો આ આઈડી ડેટા સાથે મેચ થઈ જશે તો વિગતો કન્ફર્મ ગણાશે, અન્યથા કર્મચારી નવેસરથી માહિતી એકત્ર કરશે.




