BHARUCHJHAGADIYA

ઝઘડિયા ત‍ાલુકામાં રાત્રી ચોરો બેફામ બન્યા-ઉમલ્લા નજીકના ફિચવાડા ગામે બે મકાનોમાંથી કુલ રૂપિયા ૨૫.૮૨ લાખના સોનાચાંદીના દાગીના ચોરાયા

ઝઘડિયા ત‍ાલુકામાં રાત્રી ચોરો બેફામ બન્યા-ઉમલ્લા નજીકના ફિચવાડા ગામે બે મકાનોમાંથી કુલ રૂપિયા ૨૫.૮૨ લાખના સોનાચાંદીના દાગીના ચોરાયા

થોડા વર્ષ અગાઉ અછાલિયા ગામે રૂપિયા ૨૫ લાખના મુદ્દામાલની ચોરી થયા બાદ દાયકાની બીજી મોટી ચોરી

ઝઘડિયા તા.૧૭ મે ‘૨૬

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ રાત્રી ચોરો બેફામ બન્યા હોય ઝઘડિયા નજીકના બોરિદ્રા ગામે રૂપિયા ૧૭૦૦૦૦ ની કિંમતના સોનાચાંદીના દાગીનાની ચોરી થયા બાદ લાગલગાટ જુજ કલાકો બાદ ઉમલ્લા નજીકના ફિચવાડા ગામે ત્રાટકેલા તસ્કરો બે મકાનોને નિશાન બનાવી કુલ રૂપિયા ૨૫ લાખ ઉપરાંતના સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમ ઉઠાવી ગયા હતા. ઉલ્લેખનીય છેકે થોડા વર્ષો અગાઉ ઉમલ્લા નજીકના અછાલિયા ગામે એક મકાનમાંથી તસ્કરો રૂપિયા ૨૫ લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા,ત્યારબાદ હાલ ફિચવાડા ગામે બે મકાનોમાં થયેલ ચોરી પણ દાયકાની મોટી ચોરી ગણી શકાય. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ફિચવાડા ગામે રહેતા પ્રવિણસિંહ ગેમલસિંહ સોલંકીના પરિવારના સભ્યો તા.૧૪ મીના રોજ રાતના જમી પરવારીને સુઇ ગયા હતા,ત્યારબાદ સવારે પોણા પાંચ વાગ્યાના સમયે ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.ઘરના વચ્ચેના રૂમમાં બેઠક રૂમની દિવાલ સાથે આવેલ લાકડાના બે કબાટો ખુલ્લા જણાયા હતા,અને તેમાંનો સામાન વેરવિખેર પડેલો હતો.ઉપરાંત રસોડાના રૂમની દિવાલ સાથે આવેલ ડ્રેસિંગ ટેબલ પણ ખુલ્લું જણાયું હતું.રસોડાની બારી ખુલ્લી હતી અને રસોડાનો દરવાજો બહારથી બંધ હતો. રસોડાની બારીને કોઇ સાધન વડે ખોલીને બારીમાંથી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હોવાનું જણાયું હતું. તપાસ કરતા ઘરમાંથી સોનાચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ૫૧૮૦૦ મળી કુલ રૂપિયા ૨૨૯૭૩૨૩ નો મુદ્દામાલ ચોરાયો હોવાની જાણ થઇ હતી. ઉપરાંત પ્રવિણસિંહ સોલંકીના મકાનની પાડોશમાં રહેતા કૈલાશબેન મહેન્દ્રસિંહ ઘરીયાના મકાનમાં પણ તેજ રાત્રી દરમિયાન ચોરી થઇ હતી.તેમના મકાનમાંથી પણ તસ્કરો સોનાચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા ૨૮૪૮૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.આ બન્ને મકાનોમાંથી કુલ મળી રૂપિયા ૨૫૮૨૧૨૩ ની કિંમતના સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઇ હતી. ચોરીની આ ઘટના સંદર્ભે હરદિપસિંહ પ્રવિણસિંહ સોલંકી રહે.ગામ ફિચવાડા તા.ઝઘડિયાનાએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!