કાલોલ ના કાતોલ ગામે સાસરીયાના ત્રાસથી પરિણીતાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા,પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ.

તારીખ ૧૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાતોલ ગામે સાસરીયા પક્ષના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ૨૫ વર્ષીય પરિણીતા પાયલબેને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે મૃતકની માતા સવિતાબેન માછી (રહે. શહેરા) એ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મૃતક પાયલબેનના પ્રેમ લગ્ન કાતોલ ગામના અશ્વિનભાઇ વણકર સાથે થયા હતા અને તેઓને ૧૪ મહિનાની એક પુત્રી પણ છે. લગ્નના શરૂઆતના સમયમાં સારી રીતે રાખ્યા બાદ, છેલ્લા ચારેક વર્ષથી પતિ અશ્વિનભાઇ મહેશભાઇ વણકર, સસરા મહેશભાઇ શંકરભાઇ વણકર અને સાસુ પ્રેમીલાબેન વણકર ઘરકામ બાબતે તેમજ “આખો દિવસ ફોન ઉપર કોની સાથે વાતો કરે છે” તેમ કહી ખોટો શક-વ્હેમ રાખી અવાર-નવાર ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. સાસરીયાના અસહ્ય ત્રાસ અંગે પાયલે અગાઉ કાલોલ પોલીસ સ્ટેશન અને ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં પણ લેખિત અરજીઓ આપી હતી.સાસરીયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતા અને મરવા માટે મજબૂર કરતા, આખરે કંટાળીને પાયલબેને ગત તા. ૧૩/૦૫/૨૦૨૬ ના રોજ સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં પોતાની સાસરી કાતોલ મુકામે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત તા. ૧૪/૦૫/૨૦૨૬ ના રોજ સવારે નવ વાગ્યે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.મૃતકની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ, ગઈકાલે તા. ૧૬/૦૫/૨૦૨૬ ના રોજ મૃતકની માતાએ કાલોલ પોલીસ મથકે પહોંચી ત્રણેય સાસરીયાઓ વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૦૮, ૮૫ અને ૫૪ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ કેસની વધુ તપાસ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર પી. કે ક્રિશ્ચન ચલાવી રહ્યા છે.








