MORBIMORBI CITY / TALUKO

MORBI:મંદી વચ્ચે ટ્રાફિક ઝુંબેશ : મોરબીમાં કાયદા પાલન સાથે પ્રજાને રાહતની અપેક્ષા

 

MORBI:મંદી વચ્ચે ટ્રાફિક ઝુંબેશ : મોરબીમાં કાયદા પાલન સાથે પ્રજાને રાહતની અપેક્ષા

મોરબી : ઉદ્યોગનગરી મોરબીમાં એક તરફ મંદી અને મોંઘવારીના કારણે વેપાર-ધંધા અને સામાન્ય જનજીવન પર આર્થિક દબાણ યથાવત છે, ત્યારે બીજી તરફ મોરબી જિલ્લા પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં હાથ ધરાયેલી ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા સંબંધિત ડે-કોમ્બીંગ ઝુંબેશ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી દંડ વસૂલાત કરવામાં આવી છે, જેને કેટલાક લોકો કાયદાનું પાલન જરૂરી ગણાવી સમર્થન આપી રહ્યા છે તો કેટલાક લોકો હાલની આર્થિક પરિસ્થિતિમાં તેને “પડ્યા પર પાટું” સમાન ગણાવી રહ્યા છે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષકના નિર્દેશ હેઠળ શહેરમાં ડે-કોમ્બીંગ યોજવામાં આવ્યું હતું. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા, સાઇબર ક્રાઇમ, મહિલા પોલીસ સહિત વિવિધ શાખાઓની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઝુંબેશ દરમિયાન જાહેરમાં દારૂ પી વાહન ચલાવતા, ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચવાળી ગાડીઓ, સીટ બેલ્ટ વગરના વાહનચાલકો તેમજ રોંગ સાઇડમાં વાહન હંકારી ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના આંકડા મુજબ ૭૨ ટ્રાફિક કેસોમાં રૂપિયા ૩૦,૫૦૦નો દંડ વસૂલાયો હતો, જ્યારે ૧૧ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. સાથે પ્રોહિબિશન અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પણ કાર્યવાહી નોંધાઈ હતી.


જોકે, શહેરના કેટલાક નાગરિકોમાં એવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે કે મંદી અને મોંઘવારી વચ્ચે સામાન્ય વર્ગ પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે, ત્યારે ટ્રાફિક દંડ લોકો માટે વધારાનો બોજ બની રહ્યો છે. લોકોનું માનવું છે કે માત્ર દંડાત્મક કાર્યવાહિ નહીં પરંતુ વધુ જાગૃતિ અભિયાન, માર્ગ વ્યવસ્થામાં સુધારા અને ટ્રાફિક સમસ્યાઓના મૂળ કારણો દૂર કરવા તરફ પણ તંત્રએ ધ્યાન આપવું જોઈએ.
તેમ છતાં, માર્ગ સલામતી અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ ટ્રાફિક નિયમોનું પાલન દરેક નાગરિકની જવાબદારી હોવાનું પણ અવગણાઈ શકે તેમ નથી. શહેરમાં અકસ્માતો રોકવા અને સુવ્યવસ્થિત ટ્રાફિક જાળવવા માટે પોલીસની કાર્યવાહી જરૂરી માનવામાં આવી રહી છે. હવે લોકોની અપેક્ષા છે કે કાયદાનું કડક પાલન કરાવતાં સાથે પ્રજા હિત અને વર્તમાન આર્થિક પરિસ્થિતિ વચ્ચે સંતુલન પણ જળવાઈ રહે.

Back to top button
error: Content is protected !!