MORBI:મોરબીના યુવાનો માટે ‘મિશન મોરબી’ મિસ્ટ્રી ગેમ બની આકર્ષણનું કેન્દ્ર







MORBI:મોરબીના યુવાનો માટે ‘મિશન મોરબી’ મિસ્ટ્રી ગેમ બની આકર્ષણનું કેન્દ્ર


મોબાઈલ છોડીને યુવાનો શેરીઓ ખૂંદવા નીકળ્યા: કલ્યાણ ટ્રસ્ટનું અનોખું આયોજન
શાશ્વત હોસ્પિટલ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમનું સન્માન કરાયું

આજના ડિજિટલ યુગમાં યુવા પેઢીને મોબાઈલના વળગણમાંથી બહાર લાવી વાસ્તવિક દુનિયા અને ટીમવર્કનો પરિચય કરાવવા માટે કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “મિશન મોરબી” મિસ્ટ્રી ગેમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. “આ વખતે વેકેશનમાં મોબાઈલ નહિ પણ મિશન ચાલશે” ની ટેગલાઈન સાથે યોજાયેલી આ રમતમાં મોરબીના યુવાનોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ રમતનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો મોરબીના ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક રચના અને તેની પરંપરાગત શેરીઓથી માહિતગાર થાય તેવો હતો. ગણિતના જટિલ કોયડાઓ અને ઇતિહાસ આધારિત કડીઓ (Clues) ઉકેલતા ઉકેલતા વિવિધ ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જેમાં વિજેતા ટીમે તમામ પડકારો પાર કરીને બાજી મારી હતી.
સ્પર્ધાના અંતે મોરબીની શાશ્વત હોસ્પિટલ ખાતે વિજેતાઓ માટે બહુમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સાધનાબેન ઘોડાસર તથા ડો. અંકિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વેકેશનમાં યુવાનોને શારીરિક-માનસિક રીતે સક્રિય કરતી આ પ્રવૃત્તિને બિરદાવી હતી.
સંસ્થાના પ્રમુખ ગૌરવભાઈ જાનીએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, યુવાનો સોશિયલ મીડિયા છોડી બહાર નીકળે, ટીમમાં કામ કરતા શીખે અને શહેરના વારસાને જાણે તેવા હેતુ સાથે કરાયેલું આ આયોજન સો ટકા સફળ રહ્યું છે. મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે સંપર્ક:સંસ્થા: કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મોરબી વેબસાઈટ: https://kalyangcg.in/ મોબાઈલ નંબર: 9998906800



