
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ભુતીયા ગામ ખાતે ત્રણ કાચા મકાનમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે નુકસાન
મેઘરજ તાલુકાના ભુતીયા ગામ ખાતે ત્રણ કાચા મકાનમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે નુકસાન થયું છે. ગામમાં આવેલ હરેશભાઈ પરથાભાઈ લબાનાના બંધ પડેલા મકાનમાં આગ લાગી હતી, જે જોતજોતામાં બાજુના અન્ય બે કાચા મકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. આગ લાગતા ગામમાં દોડધામ મચી ગઈ હતી અને ગ્રામજનો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા.

ઘટના સમયે મકાનો બંધ હોવાથી કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના કારણે મોટી જાનહાની ટળી હતી. પરંતુ મકાનમાં રહેલ ઘરવખરી, કપડાં, અનાજ સહિતનો સામાન આગમાં બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં ત્રણેય મકાનોને ઝપેટમાં લઈ લીધા હતા.ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓ અને ગ્રામજનોએ મળીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક અંદાજ મુજબ આ આગની ઘટનામાં બે લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.






