MORBI:મોરબી નંદીઘર: નગરપાલિકા બાદ શું મહાનગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર યથાવત? ટપોટપ ૦૯ પશુઓના મોત.







MORBI:મોરબી નંદીઘર: નગરપાલિકા બાદ શું મહાનગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર યથાવત? ટપોટપ ૦૯ પશુઓના મોત.



મોરબી શહેરમાં રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને નંદીઓની યોગ્ય સારસંભાળ માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા નંદીઘરમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નંદીઘરમાં ટપોટપ ૦૯ જેટલા નંદીઓના મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પશુઓના આ મોતે તંત્રની ઘોર બેદરકારી અને નંદીઘરના સંચાલનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે.
નગરપાલિકા બાદ શું મહાનગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર યથાવત?
સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ઉઠેલા સવાલો મુજબ, જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પણ નંદીઘરના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી હતી. હવે જ્યારે મોરબીનો વિકાસ કરીને તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. જનતા પૂછી રહી છે કે: શું મહાનગરપાલિકા બન્યા પછી પણ જૂનો ભ્રષ્ટાચાર યથાવત જ રહ્યો છે?
ફેન્સિંગ દીવાલના કામમાં પણ કૌભાંડની ગંધ
નંદીઘરની સુરક્ષા અને વ્યવસ્થા માટે લાખો રૂપિયાના ખર્ચે ઉભી કરવામાં આવેલી ફેન્સિંગ દીવાલના કામમાં પણ લોટ, પાણી ને લાકડા જેવી નીતિ અપનાવાઈ હોવાની પ્રબળ શંકા છે. નબળા બાંધકામ અને હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે આ ફેન્સિંગ દીવાલના કામમાં મોટા ભ્રષ્ટાચારની ચાળી ખવાઈ રહી છે. સરકારી નાણાંનો આ રીતે વેડફાટ કોના ઈશારે થઈ રહ્યો છે તે તપાસનો વિષય છે.
મુખ્ય સવાલો: મોત પાછળ બેદરકારી કે ભ્રષ્ટાચાર?
એકસાથે ૦૯ મૂંગા પશુઓના મોત થવા પાછળ અનેક રહસ્યો છુપાયેલા હોય તેવું લાગી રહ્યું છે. મોરબીની જનતા અને ગૌભક્તોમાં અત્યારે નીચેના સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે:
નંદીઓને આપવામાં આવતા ચારા અને પાણીની ગુણવત્તા કેવી હતી?
શું પશુઓ રોગચાળાનો ભોગ બન્યા કે પછી તેમને ભૂખ્યા-તરસ્યા રાખવામાં આવ્યા?
લાખોની ગ્રાન્ટો ક્યાં વપરાય છે અને પશુઓ સુધી સુવિધા કેમ નથી પહોંચતી?

ગૌભક્તોમાં રોષ: મૂંગા પશુઓના જીવ સાથે રમત રમનારા જવાબદારો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે અને નંદીઘરના તમામ હિસાબો તથા બાંધકામની ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.

ત્યારે આ મામલે હવે વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે.ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા તપાસના આદેશ નંદીઘરમાં પશુઓના મોતના ગંભીર મામલાને પગલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે મીડિયા અને જનતાને ખાતરી આપતા જણાવ્યું છે કે, આ મામલે જે કોઈ પણ ક્ષતિ કે બેદરકારી સામે આવશે તેની સામે કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.




