MORBI:આવકના દાખલાના નવા નિયમથી ગ્રામજનો પરેશાન: મોરબીના માનસરના સરપંચે કલેક્ટરને કરી લેખિત રજૂઆત







MORBI:આવકના દાખલાના નવા નિયમથી ગ્રામજનો પરેશાન: મોરબીના માનસરના સરપંચે કલેક્ટરને કરી લેખિત રજૂઆત


સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ (GR) ના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આવકના દાખલા મેળવવામાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર મામલે મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ જે.પી. ઠોરીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ઠરાવમાં તાકીદે જરૂરી સુધારો કરવા માંગ ઉઠાવી છે.
સરપંચની રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ગત તા. ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ એક ઠરાવ (GR ડિમાન્ડ SJED/MIS/e-file/17/2026/0423/A Section) જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર

ગ્રામ્ય વિસ્તારોમાં: આવકના દાખલા આપવા માટે માત્ર તાલુકા વિકાસ અધિકારી (TDO) ને જ સત્તાધિકારી નીમવામાં આવ્યા છે.
શહેરી વિસ્તારોમાં: આ સત્તા માત્ર મામલતદાર પાસે રાખવામાં આવી છે.
અગાઉ સ્થાનિક કે તાલુકા સ્તરે તલાટી-કમ-મંત્રી તથા અન્ય અધિકારીઓ મારફતે પણ આવકના દાખલા ઝડપથી મળી જતા હતા. પરંતુ હવે સમગ્ર સત્તા માત્ર TDO અને મામલતદાર કચેરી પર કેન્દ્રિત થતાં વહીવટી પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે.
સરપંચ જે.પી. ઠોરીયાએ રજૂઆતમાં પ્રજાને પડી રહેલી પાંચ મુખ્ય મુશ્કેલીઓ તરફ કલેક્ટરનું ધ્યાન દોર્યું છે:
અરજીઓનો ભારે ભરાવો: તમામ સત્તા એક જ જગ્યાએ કેન્દ્રિત થતાં તાલુકા પંચાયત કચેરીમાં અરજીઓનો ભારે બોજો વધી ગયો છે.
કામમાં અતિશય વિલંબ: સત્તાધિકારીઓ પર કામનું ભારણ વધતા આવકના દાખલા મેળવવામાં અતિશય સમય લાગી રહ્યો છે.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ: દાખલા મળવામાં વિલંબ થતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (Scholarship), શાળા-કોલેજમાં એડમિશન તથા વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
આર્થિક અને શારીરિક શોષણ: ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય નાગરિકોને એક નાના દાખલા માટે વારંવાર પોતાના ગામથી તાલુકા કચેરીના ધક્કા ખાવા પડે છે, જેનાથી તેમનો સમય અને મજૂરી બગડે છે.
સ્થાનિક સ્તરની સુવિધા છીનવાઈ: અગાઉ જે કામ સ્થાનિક સ્તરે તલાટી-કમ-મંત્રી દ્વારા ગણતરીના દિવસોમાં ઝડપથી થતું હતું, તે હવે કેન્દ્રીયકૃત પ્રક્રિયાને કારણે અત્યંત ધીમું બની ગયું છે.
“પ્રજાહિત અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તાજેતરના GR માં તાકીદે યોગ્ય સુધારો કરવો જોઈએ. અગાઉની જેમ જ સ્થાનિક તલાટી-કમ-મંત્રીને પણ આવકના દાખલા આપવાની પ્રક્રિયામાં સત્તા અથવા ભલામણ કરવાનો અધિકાર પાછો આપવામાં આવે. જો તેમ શક્ય ન હોય તો, તાલુકા સ્તરે વધારાના સત્તાધિકારીઓની નિમણૂક કરવામાં આવે જેથી સામાન્ય જનતાને સમયસર અને મુશ્કેલી વગર સેવા મળી રહે.”
હવે જોવાનું એ રહે છે કે, ગ્રામીણ પ્રજાની આ વ્યાપક હાલાકીને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ બાબતે શું હકારાત્મક નિર્ણય લેવામાં આવે છે.




