
તા.૧૮.૦૫.
૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:અંતેલા ગામે પરિણીતાનું રહસ્યમય મોત: ભાઈએ પતિ અને સસરા સામે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવવાની માંગ કરી.
દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામમાં પરિણીતાના રહસ્યમય મોત મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો સાથે પીપલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. કેલીયા ગામના રહેવાસી છત્રસિંહ સોમાભાઈ પટેલે પોતાની બહેન રેણુકાબેનના મોત અંગે પતિ અને સસરા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.ફરિયાદ મુજબ, રેણુકાબેનના લગ્ન આશરે 10 વર્ષ અગાઉ અંતેલા ગામે થયા હતા અને તેમને બે સંતાનો છે. શરૂઆતમાં દાંપત્ય જીવન સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ રાકેશભાઈ અને સસરા હીરાભાઈ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.ફરિયાદી જણાવે છે કે 11 મેના રોજ બહેનના પતિનો ફોન આવ્યો હતો અને બહેનને લઈ જવાની વાત કરી હતી. બીજા દિવસે વહેલી સવારે 4:30 વાગ્યે ફોન કરીને જણાવાયું કે રેણુકાબેને ફાંસો ખાધો છે. પરિવારજન તરત અંતેલા પહોંચતા રેણુકાબેન ખાટલા પર સુતેલી હાલતમાં મળી આવી હતી. શરીર પર ગળા અને પીઠના ભાગે ઈજાના નિશાન દેખાતા પરિવારને શંકા મજબૂત બની હતી.ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હતા અને આ બાબતની જાણ રેણુકાબેનને થઈ ગઈ હતી. આ કારણસર ઘરમાં અવારનવાર તણાવ રહેતો હતો. પરિવારજનોએ લીધેલા ફોટોગ્રાફ્સમાં ગળા પર દોરીના સ્પષ્ટ નિશાન તથા શરીર પર મારઝૂડના નિશાન હોવાનું પણ જણાવ્યું છે.ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ પૂર્વ આયોજન સાથે ગળું દબાવીને હત્યા કરી અને બાદમાં તેને આત્મહત્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. સાથે જ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી હોવાનું પણ જણાવાયું છે. પરિવારજનોએ બંને આરોપીઓની તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ માંગ કરી છે.





