THARADVAV-THARAD

75 વર્ષ પછી પણ દલિતો સાથે ભેદભાવ ?રાણેસરી ગામે વાળ ન કાપ્યાનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ


વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ તાલુકાના રાણેસરી ગામમાંથી સમાજને શરમજનક બનાવે તેવી ઘટના સામે આવી છે. દલિત સમાજના એક યુવાનને હેર કટિંગ દુકાને વાળ ન કાપવામાં આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, દલિત સમાજના યુવાન જ્યારે ગામની હેર કટિંગ દુકાને વાળ કપાવવા પહોંચ્યા ત્યારે દુકાન માલિકે વાળ કાપવાની ના પાડી હતી. વાયરલ વીડિયોમાં દુકાન માલિક “ગામની પરમિશન લઈને આવો હું વાળ કાપું” એવું કહેતો સંભળાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ અછૂતપ્રથા અને જાતિભેદ જીવંત હોવાના ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે પણ કેટલીક જગ્યાએ દલિત સમાજને મૂળભૂત સેવાઓમાં ભેદભાવનો સામનો કરવો પડે છે તે દુઃખદ બાબત છે. વાળ કપાવવાની જેવી સામાન્ય જરૂરિયાત બાબતે પણ ભેદભાવ થતો હોવાના આક્ષેપોથી દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ઘટનાનો વીડિયો વાયરલ થતા તંત્ર અને પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સમાજના આગેવાનો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર માનવતાનો અપમાન ગણાશે.

 

Back to top button
error: Content is protected !!