
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : કુવામાં નવજાત શિશુનો મૃતદેહ ત્યજવાના કેસમાં બે મહિલા ઝડપી,લગ્ન પહેલા સંબંધોથી ગર્ભ રહ્યો હોવાનું તપાસમાં ખુલ્યું
મોડાસા શહેરના પહાડપુર રોડ પર આવેલ માઝુમ જળ નજીકના કુવામાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યાના ગંભીર કેસમાં મોડાસા ટાઉન પોલીસએ ઝડપી તપાસ કરી ગુન્હાનો ભેદ ઉકેલી બે મહિલાઓને ઝડપી પાડી છે.
પોલીસ મુજબ, ગત 14 મેના રોજ સવારે પહાડપુર રોડ પર માઝુમ જળ નજીકના કુવામાં અજાણી મહિલાએ પોતાની પ્રસૂતિ છુપાવવા માટે તાજા જન્મેલા નવજાત શિશુના મૃતદેહને ફેંકી દીધાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 94 હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઈ હતી.

અરવલ્લી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસની ટીમે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સીસ અને સ્થાનિક માહિતીના આધારે પોલીસને શંકા ગઈ કે માઝુમ જળ વિસ્તારમાં રહેતી એક યુવતી બનાવ બાદ બહાર નિકળતી નથી.પોલીસે મહિલા પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી તપાસ કરતાં યુવતી અને તેની માતા બંને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન યુવતીએ સ્વીકાર્યું કે તેની સગાઈ થયેલી હતી અને લગ્ન પૂર્વે સંબંધોથી ગર્ભ રહ્યો હતો. અચાનક ઘરે જ પ્રસૂતિ થતાં સમાજમાં આબરૂ જવાની બીકથી માતાએ નવજાત બાળકને લાલ કપડામાં વીંટાળી નજીકના કુવામાં ફેંકી દીધો હતો.આ કેસમાં પોલીસે નાસીમબેન અયુબભાઈ સિંધી અને તેની માતા અમીનાબેન અયુબભાઈ સિંધી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલુ છે.





