ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી સંપન્ન: ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ અને રચિતા મોદી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મનાણી તેમજ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી.
પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ યોજાયેલા મતદાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળ્યા હતા. પરિણામે દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી રચિતા મોદી અને કોંગ્રેસ તરફથી રાબિયા પટેલ મેદાનમાં હતા. મતદાન પૂર્ણ થયા બાદ રચિતા મોદીને 29 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાબિયા પટેલને 10 મત મળ્યા હતા. બહુમતીના આધારે રચિતા મોદી ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ચૂંટણી પરિણામ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જીત બાદ કાર્યકરોએ વિજયોત્સવ મનાવી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.



