MANGROLSURATSURAT CITY / TALUKO

પીપોદરામાં મોટું કૌભાંડ? પંચાયતે આપેલા ‘લાઈટ કનેક્શન કાપવાના’ આદેશ પર GEB એ કેમ મૌન સેવ્યું

માંગરોળ, સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે નિયમોને નેવે મૂકીને કરાયેલા બાંધકામ અને વીજ કનેક્શન મુદ્દે હવે સરકારી તંત્ર સામસામે આવી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પીપોદરા ગ્રામ પંચાયત અને ડી.જી.વી.સી.એલ. (GEB) ની ‘ખો-ખો’ ની રમત વચ્ચે અરજદારો અટવાયા છે, જેને કારણે સરકારી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

પીપોદરા ગામના જુના બ્લોક નં. ૧૨૩ (નવો બ્લોક નં. ૧૨૬) ની સી.ઓ.પી. (COP) ની જમીન પર પ્લાનથી વિપરીત ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની વિગતો સામે આવી છે. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી રજૂઆતના જવાબમાં પીપોદરા ગ્રામ પંચાયતે લેખિતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે:

કોઈ વેરો વસૂલાયો નથી: પંચાયતના જણાવ્યા મુજબ, આ સી.ઓ.પી. વાળી બિલ્ડિંગનો કોઈ પણ પ્રકારનો વેરો ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો નથી.

શરત ભંગની કાર્યવાહી: પ્લાનથી વિપરીત થયેલા બાંધકામ અંગે એન.એ. (NA) શરત ભંગની કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરી, માંગરોળને ગત તા. ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ જ પત્ર લખી દેવાયો છે.

સૌથી મોટો વિવાદ લાઈટ કનેક્શન કાપવા બાબતે ઉભો થયો છે. પીપોદરા ગ્રામ પંચાયતના સરપંચે લેખિતમાં જણાવ્યું છે કે, આ વિવાદિત બિલ્ડિંગનું મીટર કનેક્શન રદ કરવા માટે તા. ૦૪/૦૨/૨૦૨૬ ના પત્રથી DGVCL (GEB) ને કડક સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ, જ્યારે અરજદાર દ્વારા GEB (DGVCL) કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓએ એવો લૂલો બચાવ કર્યો હતો કે “અમને પંચાયત તરફથી આવો કોઈ ઓર્ડર મળ્યો જ નથી

જો ગ્રામ પંચાયતે ૦૪/૦૨/૨૦૨૬ ના રોજ પત્ર મોકલી આપ્યો હોય, તો આટલા દિવસો પછી પણ GEB ને પત્ર કેમ ન મળ્યો

શું પત્ર રસ્તામાં ગાયબ થઈ ગયો કે પછી GEB ના કોઈ અધિકારી જાણીજોઈને ફાઈલ દબાવીને બેઠા છે?

ગેરકાયદેસર બાંધકામ ધરાવતી બિલ્ડિંગનું વીજ જોડાણ કાપવામાં DGVCL ને કોનું પીઠબળ નડી રહ્યું છે?

ગ્રામ પંચાયત કાગળ બતાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ રહી છે અને GEB ‘નથી મળ્યો’ નો રાગ આલાપી રહ્યું છે. તંત્રની આ આંતરિક ખેંચતાણમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને મોકળું મેદાન મળી રહ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તપાસ કરી ત્વરિત વીજ કનેક્શન કાપે તેવી લોક માંગ ઉઠી છે

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

 

Back to top button
error: Content is protected !!