તંત્રની આળસથી માસૂમ જીવો જોખમમાં: શેખપુર ગામ ની પ્રાથમિક શાળાની જર્જરિત હાલત પાછળ જવાબદારોની ગુનાહિત બેદરકારી?

છતના પોપડા અને ખુલ્લા વાયરો વચ્ચે ભણવા મજબૂર બાળકો; કોઈ મોટી હોનારત સર્જાશે ત્યારે જ જાગશે શિક્ષણ વિભાગ?
કામરેજ / સુરત:
કામરેજ તાલુકાની એક પ્રાથમિક શાળામાંથી સામે આવેલા ચોંકાવનારા દ્રશ્યોએ સ્થાનિક શિક્ષણ તંત્રની પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. શાળાના વર્ગખંડોથી લઈને પરિસર સુધી ચારેય તરફ વિસ્તરેલી બિસ્માર હાલત જોઈને પ્રશ્ન થાય છે કે, શું જવાબદાર અધિકારીઓ કોઈ મોટી અણબનાવ કે દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે?
વર્ગખંડો બ બન્યા જોખમનું સરનામું
સામે આવેલા વિડિયો નિરીક્ષણમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વર્ગખંડોની છત પરથી ભેજ અને પોપડા ખરી રહ્યા છે. ગમે ત્યારે માથા પર પડી શકે તેવા જર્જરિત પંખા અને શોર્ટ સર્કિટને આમંત્રણ આપતા ખુલ્લા વીજ વાયરો વચ્ચે માસૂમ બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. શાળાનો કટાઈ ગયેલો લોખંડનો દરવાજો પણ વગર નિભાવે તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે.
કાગળ પરની તપાસ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત
નિયમ મુજબ સરકારી શાળાઓની સમયાંતરે સ્થળ તપાસ અને નિભાવણી (Maintenance) કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓની હોય છે. ત્યારે અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે:
શું સરકારી ચોપડે કાગળ પર જ તપાસના નાટક કરવામાં આવે છે?
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ અને ભંડોળનો યોગ્ય ઉપયોગ ક્યાં થાય છે?
ચોમાસાની ઋતુમાં છતમાંથી ટપકતા પાણી અને નબળા માળખા વચ્ચે જો કોઈ દુર્ઘટના ઘટશે, તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી કોની રહેશે?
તાત્કાલિક પગલાં નહિ લેવાય તો જનઆંદોલનની ચીમકી
બાળકોના જીવ સાથે રમત રમતી આ ગંભીર બેદરકારી સામે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ જાતના વિલંબ વિના તાત્કાલિક સ્થળ તપાસ કરે અને બિસ્માર ભાગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાવે. જો વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે હજુ પણ દુર્લક્ષ સેવવામાં આવશે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા કડક વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રિપોટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત







