Rajkot: ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૧૩૧ લાખના ખર્ચે નવનિર્મિત જામકંડોરણા-૨ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ

તા.૨૦/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જામકંડોરણા તાલુકાના ૧૭ હજારથી વધુ ખેડૂત વીજધારકોને સીધો ફાયદો થશે
રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન, વીજ વપરાશ માટે કોઈ મુશ્કેલી નહીં રહે
જરૂર પડ્યે ૧૦ કલાક સુધી વીજળી આપવા સરકાર પ્રતિબદ્ધ
જ્યોતિગ્રામ યોજનાથી ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે છે
Rajkot: જામકંડોરણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગ–૨ની કચેરીના રૂ. ૧૩૧ લાખના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર હંમેશા ખેડૂતોના હિતલક્ષી કામગીરી કરી રહી છે. જામકંડોરણા ખાતે પીજીવીસીએલ કચેરીનો બીજો પેટા વિભાગ કાર્યરત થતાં જામકંડોરણા તાલુકાના ૧૭ હજારથી વધુ ખેડૂત વીજધારકોને સીધો ફાયદો થશે. ખેડૂતોને વીજ કનેક્શન મેળવવામાં સરળતા થશે તેમજ વીજફોલ્ટ કે અન્ય મુશ્કેલી સમયે ત્વરિત નિરાકરણ મળી રહેશે.
તેમણે ઊર્જા વિભાગની સિદ્ધિઓ અંગે જણાવતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં જ્યોતિગ્રામ યોજનાથી ૧૮૦૦૦ જેટલા ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ખેડૂતોને દિવસના વીજળી આપવાની કામગીરી ગુજરાત રાજ્યે સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરી હતી.
આ સરકાર ખેડૂતોના હિત માટે હંમેશા કામ કરતી આવી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે ખેડૂતોને દસ કલાક વીજળી પણ પૂરી પાડવામાં આવશે.
વધુમાં ગત વર્ષે કુદરતી આફત વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ આપી આ સરકાર ખેડૂતલક્ષી હોવાનું સાબિત કર્યું છે.
સહકારી ક્ષેત્રમાં ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવતી હોવાનું જણાવી મંત્રીશ્રી કૌશિકભાઇએ આ સરકાર ખેડૂતલક્ષી હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ તકે ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ખાસ કરીને ઊર્જા વિભાગ દ્વારા વાર તહેવારો પર પણ ૨૪ કલાક લોકોને વીજળી મળી રહે તે માટે કરવામાં આવતી કામગીરી બદલ વિભાગનો આભાર માન્યો હતો.
જામકંડોરણા તાલુકાના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ આ તકે પેટા વિભાગીય કચેરી આવવા બદલ રાજ્ય સરકારનો આભાર માની જણાવ્યું હતું કે, આ સમગ્ર પંથક કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. અહીં વીજળીનું ખૂબ મહત્વ છે ત્યારે, નવી વિભાગીય કચેરી દ્વારા ખેડૂતોને આવનારા સમયમાં વીજ ક્ષેત્રે કોઈ મુશ્કેલી નહીં પડે, ઊર્જા વિભાગ દ્વારા નવા ૬૬ કે.વી. સબ સ્ટેશન, અંડર ગ્રાઉન્ડ કેબલિંગ સહિતની માંગ અંગે પણ હકારાત્મક અભિગમ દર્શાવવા બદલ મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયાનો આભાર માન્યો હતો.
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી જયેશભાઈ રાદડિયાએ નવનિર્મિત બિલ્ડીંગનું તકતી અનાવરણ તેમજ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું.
કચેરી ખાતે મંત્રીશ્રી સહિત રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ બાબરીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી ગ્લોબલ વોર્મિંગ સામે દેશને બચાવવા માટે પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને આગળ ધપાવવા સૌને વિનંતી કરી હતી.
જામકંડોરણા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઊર્જા વિભાગના ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર શ્રી બી. ડી. પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે ઊર્જા વિભાગના શ્રી જે.બી ઉપાધ્યાય, શ્રી કે. જે. ખાવડું, શ્રી વી. એલ. ભીમાણી, શ્રી એન. જે. સનાડીયા સહિતના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







