Rajkot: વિંછીયા ખાતે ડ્રોન ટેકનોલોજીના કોર્સનો ટૂંક સમયમાં પ્રારંભ : કોર્સ માટે જરૂરી સુવિધાઓની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧૯/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ખેડૂત પરિવારના સભ્યો માત્ર રૂ. ૧,૪૫૦માં ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ કરી શકશે
ટૂંકાગાળાના અભ્યાસથી કૃષિ સહિતના ક્ષેત્રે રોજગારીની વિપુલ તક
યુવાનો તેમજ મહિલાઓ ડ્રોન કોર્સથી આત્મનિર્ભર બની શકશે
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજ રોજ વિંછીયા આઇ.ટી.આઇ. દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમના પ્રારંભ માટે અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે સમીક્ષા બેઠક તેમજ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
ડ્રોન ટેકનોલોજી અભ્યાસક્રમનો પ્રારંભ કરવા માટે જરૂરી વિશાળ મેદાન સહિતની માળખાકીય સુવિધાઓ અમરાપુર શૈક્ષણિક સંકુલ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે તેમ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં યુવાનો સ્કીલ ડેવલપમેન્ટ સાથેના અભ્યાસક્રમોમાં આગળ વધી શકે તે માટે ‘કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી’ની સ્થાપના કરી છે, તે જ રીતે આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા અભ્યાસક્રમો આઇ.ટી.આઇ.માં શરૂ કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કુલ ચાર આઇ.ટી.આઇ.માં ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં કાલાવડના અમરેલી ખાતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વીંછીયા આઈ.ટી.આઈ દ્વારા અમરાપુર ખાતે ટૂંક સમયમાં આ અભ્યાસક્રમનો પ્રારંભ થશે. ધોરણ ૧૦ પાસ કોઈપણ યુવક- યુવતી આ અભ્યાસક્રમમાં જોડાઈ કૃષિ સહિત વિવિધ ક્ષેત્રે રોજગારી મેળવી શકશે, તેમ મંત્રી શ્રી બાવળિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ કોર્સની ફી ૧૫,૪૫૦ રૂપિયા છે, ત્યારે ખાસ કરીને ખેડૂત પરિવારના દીકરા-દીકરી માત્ર રૂ. ૧,૪૫૦માં જ અભ્યાસક્રમમાં જોડાઈ કૃષિ ક્ષેત્રે પરિવારને સહયોગ આપી શકશે. અન્ય પરિવારના છાત્રોને પણ શિષ્યવૃત્તિ મળે તે માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં કૌશલ્યા યુનિવર્સિટીના સહયોગથી ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પણ આઈ.ટી.આઈ. ખાતે શરૂ કરવામાં આવશે, જેનાથી મહિલાઓ તેમજ યુવાનોને સ્વરોજગારી મેળવવામાં અનુકૂળતા રહેશે.
આઈ.ટી.આઈ.ના રિજનલ ડિરેક્ટરશ્રી કૌશિક કણજારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ ચાર આઈ.ટી.આઈ., કૌશલ્યા યુનિવર્સિટી તેમજ સ્વર્ણિમ ખાતે ચાલી રહેલા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમમા ૮૦૦ થી વધુ લોકોને ડી.જી.સી.એ. માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.
આવનારા સમયમાં જુદી જુદી ૧૩ જેટલી આઈ.ટી.આઈ.માં અભ્યાસક્રમ શરૂ થાય તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીના ડિરેક્ટરશ્રી વિજય પટેલ, વિંછીયા આઇ.ટી.આઇ. ના પ્રિન્સિપાલશ્રી કિશન વાઘમસિંહ, જસદણ આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલશ્રી ચિંતન જાની ઉપસ્થિત રહ્યા હતા.






