Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રની ગતિશીલ કામગીરીઃ એક જ માસમાં ૩૩ આંગણવાડીને જમીન ફાળવાઈ

તા.૨૦/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદિપકુમાર
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ ખાસ ઝુંબેશ હાથ ધરી મિશન મોડમાં કામગીરી કરાઈ
સૌથી વધુ ધોરાજીમાં એક માસમાં ૨૨ આંગણવાડીને જમીન અપાઈ
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરાઈ રહ્યું છે. આ સાથે વહીવટી પ્રક્રિયાને ગતિશીલ બનાવીને માળખાકીય સુવિધાઓના કામોને વેગ અપાઈ રહ્યો છે. કલેક્ટરશ્રીના નિર્દેશ અને માર્ગદર્શનમાં છેલ્લા એક માસમાં જિલ્લાની ૩૩ આંગણવાડીઓને જમીન ફાળવવામાં આવી છે.
રાજકોટ (ગ્રામ્ય) જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) વિભાગ દ્વારા બાળકો અને માતાઓના કલ્યાણ તેમજ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ કરીને વધુ સુવિધાજનક અને મજબુત બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે આંગણવાડીઓની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. તાજેતરમાં એપ્રિલથી જૂન દરમિયાન વધુ ૨૯ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લાના ૮૭૮ આંગણવાડી કેન્દ્રમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે.
દરમિયાન રાજકોટ જિલ્લામાં વિવિધ આંગણવાડીઓના જમીનનો પ્રશ્ન જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના ધ્યાને આવ્યો હતો. આથી તેમણે વિવિધ પ્રાંત અધિકારીશ્રીઓને આંગણવાડીઓને વહેલીતકે જમીન ઉપલબ્ધ કરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવા નિર્દેશ આપ્યો અને આ પ્રશ્નો સત્વરે નિકાલ લાવવા સૂચના આપી હતી.
આ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના સીધા માર્ગદર્શન તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, સ્થાનિક સ્તરે પ્રાંત અધિકારીશ્રીઓના સક્રિય સહયોગ અને આઈ.સી.ડી.એસ.ના વિવિધ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી મિશન મોડમાં કામગીરી કરીને આંગણવાડીની જમીન અંગેની સમસ્યાનું માત્ર એક જ મહિનામાં નિરાકરણ લાવવામાં આવ્યું છે.
તંત્રના સઘન પ્રયાસોના પરિણામે જિલ્લાના કુલ ૩૩ આંગણવાડી કેન્દ્રોને જમીન ફાળવવામાં આવી છે.
આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારી શ્રી નાગાજણ તરખલાએ વિશેષ કવાયત હાથ ધરીને આંગણવાડી ૨૨ કેન્દ્રો માટે જમીન ઉપલબ્ધ કરાવી હતી. જ્યારે જસદણ તાલુકામાં પ્રાંત અધિકારી શ્રી રાહુલ ખાંભરા દ્વારા અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીનવિહોણા ૧૦ કેન્દ્રોમાંથી ૬ કેન્દ્રો માટે જમીન ફાળવવામાં આવી છે.
જેતપુર તાલુકામાં અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીન વિહોણા ૦૫ કેન્દ્રોમાંથી ૪ કેન્દ્રો માટે જ્યારે ગોંડલ તાલુકામાં અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા જમીન વિહોણા એક આંગણવાડી કેન્દ્ર માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ ૩૮માંથી ૩૩ આંગણવાડી કેન્દ્રો માટે જમીન ઉપલબ્ઘ થતાં સુવિધાજનક આંગણવાડીઓના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જ્યારે બાકી રહેલા માત્ર ૦૫ કેન્દ્રો માટે પણ વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા હાલ ગતિમાન છે.
જિલ્લા વહીવટી તંત્રની આ લોકાભિમુખ અને ત્વરિત કામગીરીને સ્થાનિક રજૂઆતકર્તાઓ અને ગ્રામજનોએ વધાવી લીધી છે.




