
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા દ્વારા સંતુલિત ખાતરના ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન

તાહિર મેમણ – 19/05/2025 – ખેતીમાં ડી.એ.પી. અને યૂરિયા જેવા રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગ અને તેના કારણે ઉભી થતી ગેરસમજ વચ્ચે ખેડૂતોને વૈજ્ઞાનિક અને સંતુલિત ખાતર વ્યવસ્થાપન અંગે માહિતગાર કરવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) દ્વારા દેશવ્યાપી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા દ્વારા ખેડૂતોમાં ખાતરોના સંતુલિત ઉપયોગ, જમીનના સ્વાસ્થ્યનું સંરક્ષણ અને પર્યાવરણમૈત્રી ખેતી અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
અભિયાન દરમિયાન ખેડૂત મીટિંગ, તાલીમ કાર્યક્રમો, કિસાન સારથી પોર્ટલ, વોટ્સએપ ગ્રુપ, ટેક્સ્ટ સંદેશા અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા ખેડૂતો સુધી વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવામાં આવી હતી. ખાસ કરીને ડી.એ.પી. અને યૂરિયા ખાતરના અતિરેક ઉપયોગને બદલે પ્રાકૃતિક પોષણ વ્યવસ્થા, પોષક તત્વોનું સંતુલન, જમીન ચકાસણી, ખાતર વ્યવસ્થાપનના સિદ્ધાંતો તથા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સમજાવ્યું હતું કે, માત્ર એકતરફી ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, જ્યારે નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટાશ (K) તેમજ સૂક્ષ્મ પોષક તત્વોનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ પાકની ઉપજમાં વધારો કરે છે. જમીનની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ બને છે. સાથે જ પર્યાવરણના સંરક્ષણ અને ખેતી ખર્ચમાં ઘટાડા માટે પણ સંતુલિત ખાતર ઉપયોગ જરૂરી હોવાનું જણાવાયું હતું.
આ જાગૃતિ અભિયાન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ. એચ.યુ. વ્યાસ, વિષય નિષ્ણાંત ડૉ. એમ.વી. તિવારી, ડૉ. વી.કે. પોશીયા તેમજ શ્રી એમ.એલ.વિસાત દ્વારા વિવિધ માધ્યમો મારફતે ૮૦૦૦થી વધુ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ જમીન પરીક્ષણના આધારે જ ખાતરોનો ઉપયોગ કરે, પ્રાકૃતિક અને સજીવ પદ્ધતિઓને પ્રોત્સાહન આપે તથા વૈજ્ઞાનિક સલાહ અનુસાર સંતુલિત પોષણ વ્યવસ્થાપન અપનાવી ટકાઉ કૃષિ તરફ આગળ વધી શકે છે.




