TANKARA:ટંકારા-અમરાપર રોડ પર હિટ એન્ડ રન: રિક્ષાની ટક્કરે બાઈક સવાર આધેડનું કમકમાટીભર્યું મોત







TANKARA:ટંકારા-અમરાપર રોડ પર હિટ એન્ડ રન: રિક્ષાની ટક્કરે બાઈક સવાર આધેડનું કમકમાટીભર્યું મોત


ટંકારા-અમરાપર રોડ પર એચ.પી. પોલ્ટ્રી ફાર્મ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી દોડતી એક રિક્ષાના ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર આધેડનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ રિક્ષા ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના નવા અમરાપર ગામે રહેતા અરવિંદભાઈ મકવાણા પોતાનું મોટરસાયકલ (નંબર: GJ-03-DB-8950) લઈને ટંકારાથી અમરાપર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એચ.પી. પોલ્ટ્રી ફાર્મ નજીક સામેથી આવતી રિક્ષા (નંબર: GJ-03-BU-8635) ના ચાલક યાકુબભાઈ અલીભાઈ બાદી (રહે. અમરાપર) એ પોતાનું વાહન બેફિકરાઈથી અને અતિ ઝડપે ચલાવી અરવિંદભાઈના બાઈક સાથે જોરદાર ભટકાવ્યું હતું.
આ ગંભીર અકસ્માતમાં અરવિંદભાઈને શરીરના તેમજ માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ રિક્ષા ચાલક યાકુબ બાદી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મૃતકના પત્ની કમળાબેન અરવિંદભાઈ મકવાણા (ઉં.વ. ૪૪) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ફરાર રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




