MORBI:મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી: ગેડા સર્કલથી ત્રાજપર રોડ પર પાણીની લાઈન લીકેજ થતાં ભયાનક સ્થિતિ







MORBI:મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી: ગેડા સર્કલથી ત્રાજપર રોડ પર પાણીની લાઈન લીકેજ થતાં ભયાનક સ્થિતિ


ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ: રોડ પરના ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ
એક તરફનો રોડ બંધ, વન-વે ટ્રાફિક વચ્ચે રોજ ૨૫ થી ૩૦ લોકો બાઈક સ્લિપ થતાં પટકાય છે: સ્થાનિકોનો આક્રોશ

મોરબીના ૨ હાઉસિંગ બોર્ડ ગેડા સર્કલથી ત્રાજપર રોડ પર સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ મુખ્ય માર્ગ પર મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ થતાં ધોમધખતા ઉનાળામાં પણ ચોમાસા જેવો નજારો જોવા મળી રહ્યો છે. હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે આખો રોડ પાણી-પાણી થઈ ગયો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ રોડ પર પહેલાથી જ મોટા-મોટા ખાડાઓ સામ્રાજ્ય જમાવીને બેઠા છે. હવે તેમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી. પરિણામે, રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે રસ્તાની એક સાઈડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. હાલમાં આખો ટ્રાફિક બીજી બાજુના સિંગલ રોડ પર ડાયવર્ટ કરાતા વન-વે જેવી સ્થિતિ સર્જાઈ છે. સાંકડા રસ્તા પર પાણી, ખાડા અને ટ્રાફિકના લીધે અકસ્માતનો ગંભીર ભય ઉભો થયો છે.
વિસ્તારના રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, “આ રસ્તા પરથી પસાર થવું એટલે જીવનું જોખમ લેવા બરાબર છે. લપસણી જમીન અને ખાડાઓને લીધે રોજ ૨૫ થી ૩૦ જેટલા બાઈક ચાલકો અને રાહદારીઓ અહિયાં સ્લિપ થઈને પડે છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી.”

ભર ઉનાળે પાણીનો આ રીતે બગાડ થઈ રહ્યો છે અને લોકોના હાડકા ભાંગી રહ્યા છે, છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં આ પાઇપલાઇનનું લીકેજ તાત્કાલિક રીપેર કરવામાં આવે અને રોડ રસ્તાની સ્થિતિ સુધારવામાં આવે.




