MORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા સરકારી ખરાબો પચાવી દસ્તાવેજ કરી લેવાની ચર્ચાઓ !!

 

MORBI:મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા સરકારી ખરાબો પચાવી દસ્તાવેજ કરી લેવાની ચર્ચાઓ !!

વેરા પહોંચના આધારે સરકારી જમીનનો ‘બક્ષીશ દસ્તાવેજ’ કરી નાખ્યો; પાકા-કાચા મકાન સહિત ૩૮૨ ચોરસ મીટર જમીન પત્નીના નામે બક્ષિસ આપી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પારદર્શિતા અને કાયદાના પાલનની વાતો વચ્ચે ચંદ્રપુર જિલ્લા પંચાયતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષના પ્રતીક પર ચૂંટાયેલા સદસ્ય કાયદાકીય અને રાજકીય વિવાદોના મોટા ઘેરાવમાં આવી ગયા હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

 

સરકારી ખરાબાની કિંમતી જમીન પર માત્ર પંચાયતની વેરા પહોંચને હથિયાર બનાવીને પોતાના જ પરિવારમાં ‘બક્ષીશ દસ્તાવેજ’ (ગિફ્ટ ડીડ) કરાવી લેવાનો એક ગંભીર મામલો સામે આવતા સ્થાનિક તંત્ર અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

 

શું છે સમગ્ર મામલો અને વિગત?

 

મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદ ચંદ્રપુર પંચાયત હસ્તકની સરકારી ખરાબાની જમીન સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે,કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યએ સરકારી માલિકી ધરાવતી અને ચોક્કસ સર્વે નંબર વાળી સરકારી ખરાબાની જમીન,જેના પર એક પાકું મકાન અને નળિયા વાળું કાચું મકાન આવેલું છે,તેનો કાયદાને કોરાણે મૂકીને બિન-અવેજી (બક્ષીશ) દસ્તાવેજ કરી નાખ્યો છે.

આશ્ચર્યની બાબત એ છે કે,આ સરકારી જમીન પર પોતાનો કોઈ કાયદેસરનો માલિકી હક ન હોવા છતાં,માત્ર ગ્રામ પંચાયતની આકારણી કે વેરા પહોંચના આધારે આશરે ૩૮૨ ચોરસ મીટર જેટલી લાખો રૂપિયાની કિંમતી જમીન પોતાની જ ધર્મપત્નીને બક્ષીશ સ્વરૂપે દસ્તાવેજ કરી અર્પણ કરી દીધી છે.

 

એક તરફ સરકાર સરકારી જમીનો અને ખરાબા પર થતા દબાણો હટાવવા માટે કડક વલણ અપનાવી રહી છે,ત્યારે બીજી તરફ જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સદસ્ય દ્વારા જ સરકારી મિલકત આ પ્રકારે ટ્રાન્સફર કરી લેવાતા અનેક સવાલો ઊભા થયા છે:

સરકારી ખરાબાની સર્વે નંબર વાળી જમીનનો ખાનગી વ્યક્તિઓ વચ્ચે બક્ષીશ દસ્તાવેજ કઈ રીતે થઈ શકે?

 

સક્ષમ સરકારી અધિકારીઓની મંજૂરી વિના માત્ર વેરા પહોંચના આધારે આટલી મોટી જમીનની હેરફેર પાછળ કોની મિલિભગત છે?

 

સદસ્યતા રદ થશે કે કેમ? કાયદાકીય જોગવાઈઓ પર નજર

 

ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ અનુસાર, જો કોઈ પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરે,સરકારી મિલકત પચાવી પાડે અથવા આવા કોઈ ગંભીર કાયદાકીય ઉલ્લંઘનમાં દોષિત સાબિત થાય,તો વિકાસ કમિશનર અથવા સક્ષમ સત્તાધિકારી દ્વારા તેમની સદસ્યતા રદ (Disqualify) થઈ શકે છે.

આ કિસ્સામાં પણ વેરા પહોંચના આધારે સરકારી જમીનનો ખાનગી દસ્તાવેજ કરવો એ પ્રથમ દ્રષ્ટિએ મોટો ગુનો ગણાતો હોવાથી, આગામી દિવસોમાં કોંગ્રેસના આ સદસ્ય પદ પર મોટું સંકટ આવી શકે છે.

આ મામલો સામે આવ્યા બાદ ચંદ્રપુર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.આ મામલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ નીમવામાં આવે.

હવે જોવાનું એ રહેશે કે,સરકારી તંત્ર આ દસ્તાવેજની સત્યતા તપાસીને કેવા પગલાં ભરે છે અને તપાસના અંતે કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવાર પોતાની સદસ્યતા બચાવી શકે છે કે પછી તેમને હોદ્દા પરથી હાથ ધોવા પડશે! કે પછી પોતાના આ કારસ્તાન પર પડદો નાખવા તેઓ સત્તા પક્ષના શરણે જશે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોરબી જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં પંચાયતની આકારણી કે વેરા પહોંચના આધારે સરકારી જમીનો ખાનગી નામે ચડાવી દેવાના મોટા કૌભાંડો બહાર આવે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ આખા ખેલ પર બુલડોઝર ફેરવશે કે પછી ફાઈલો ઠંડા બસ્તે બંધ થઈ જશે!

Back to top button
error: Content is protected !!