THARADVAV-THARAD

“પાયોનિયર” બાજરી બિયારણથી ખેડૂતોને ઝાટકો ? દાણાની જગ્યાએ ઉગ્યા ખાલી ભોભા, વાવ થરાદના ખેડૂતોમાં રોષની લાગણી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ, થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાયોનિયર કંપનીનું બાજરી બિયારણ વાવનાર ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બાજરીના પાકમાં અંદાજે 30 ટકા જેટલા ખાલી ભોભા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઉત્પાદન ઉપર સીધી અસર પડી છે અને ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

ખેડૂતો કહે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વાસ રાખી મોંઘા ભાવે પાયોનિયર કંપનીનું બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું. પરંતુ પાક તૈયાર થતા જ દાણાની જગ્યાએ ખાલી ભોભા દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અનેક ખેડૂતોએ બિયારણ, ખેડાઈ, ખાતર, દવા અને સિંચાઈ પાછળ મોટો ખર્ચ કર્યો હોવા છતાં હવે ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ રહી નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા ગુણવત્તાયુક્ત બિયારણના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં પાકમાં ગંભીર ખામી જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે અને દેવાના ભાર નીચે દબાઈ જવાની ભીતિ ઉભી થઈ છે.

આ મામલે ખેડૂતો દ્વારા કૃષિ વિભાગ અને કંપની સમક્ષ પાકની તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ ખેડૂતોને થયેલ નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ બિયારણ અને ખેડાઈ સહિતના ખર્ચની ભરપાઈ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

બનાસકાંઠાના ખેડૂતોમાં હાલ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!