INTERNATIONAL

નોર્વેના અખબારમાં PM મોદીનું વિવાદાસ્પદ ‘સ્નેક ચાર્મર’ કાર્ટૂન પ્રસિદ્ધ થયું

ઓસ્લો/નવી દિલ્હી:
મે ૨૦૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વે મુલાકાત દરમિયાન નોર્વેના સૌથી મોટા દૈનિક અખબાર Aftenposten દ્વારા એક અત્યંત વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ કાર્ટૂનમાં પીએમ મોદીને એક ‘સ્નેક ચાર્મર’ (મદારી) તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમના હાથમાં બીન (વાંસળી) છે અને તેમની સામે સાપની જેમ ગૂંચળું વળેલું પેટ્રોલ પંપનું પાઈપ બતાવવામાં આવ્યું છે.
આ કાર્ટૂન અખબારમાં એક ઓપિનિયન પીસ (અભિપ્રાય લેખ) સાથે છાપવામાં આવ્યું છે, જેનું શીર્ષક “A clever and slightly annoying man” (એક ચતુર અને થોડો હેરાન કરનારો માણસ) રાખવામાં આવ્યું છે. આ વિવાદાસ્પદ રેખાચિત્ર પ્રખ્યાત નોર્વેજીયન કલાકાર માર્વિન હેલેરાકર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ વિવાદ એવા સમયે વધુ વકર્યો છે જ્યારે પીએમ મોદીની નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથેની સંયુક્ત મીડિયા મુલાકાત દરમિયાન એક નોર્વેજીયન પત્રકાર હેલે લિંગે ભારતમાં પ્રેસ ફ્રીડમ (પ્રેસની સ્વતંત્રતા) અંગે સવાલો ઉઠાવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયના વરિષ્ઠ રાજદ્વારી સિબી જ્યોર્જે પશ્ચિમી મીડિયાના આ વલણ સામે આકરો પલટવાર કરતાં જણાવ્યું હતું કે, પશ્ચિમી મીડિયા ભારતના વિશાળ લોકતંત્રના સ્કેલને સમજ્યા વિના માત્ર અમુક અજ્ઞાત એનજીઓના અહેવાલોના આધારે પૂર્વગ્રહ રાખે છે.

હાલમાં આ મુદ્દે સોશિયલ મીડિયા પર પશ્ચિમી મીડિયાની વાણી-સ્વતંત્રતાની મર્યાદા અને વંશીય પૂર્વગ્રહોને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!