MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના તીથવા ગામે તળાવની માટી ઉપાડવા બાબતે પંચાયત કચેરીમાં જૂથ અથડામણ: સામસામે ફરિયાદ

 

WAKANER:વાંકાનેરના તીથવા ગામે તળાવની માટી ઉપાડવા બાબતે પંચાયત કચેરીમાં જૂથ અથડામણ: સામસામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં તળાવ ઊંડું કરવાના કામની માટી ઉપાડવા બાબતે સરપંચ જૂથ અને ગામના જ એક પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી અને મારપીટ થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે બંને પક્ષોએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામે ગુનો નોંધાવ્યો છે, જેમાં એક પક્ષે સરપંચ-ઉપસરપંચ સહિતના હોદ્દેદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે, જ્યારે સામા પક્ષે સરપંચે સરકારી કામમાં રુકાવટ અને મારપીટની વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

તીથવા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ ઇસ્માઇલભાઇ આહમદભાઇ પરાસરા (ઉ.વ. ૬૫) એ મનુભાઇ વશરામભાઇ વાઘેલા, મયુર મનુભાઇ વાઘેલા, અમૃત વીરજીભાઇ વાઘેલા, અશ્વીન જયંતિભાઇ વાઘેલા અને રણજીતભાઇ અમૃતભાઇ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જિલ્લા આયોજનમાંથી મંજૂર થયેલા ‘કુંડલીના ખારા’ તળાવને ઊંડું ઉતારવાના કામની ચર્ચા દરમિયાન આરોપીઓએ લીઝ એગ્રીમેન્ટથી આ કામ પોતાના નામે કરવા દબાણ કર્યું હતું. સરપંચે આ માટી ગામના ખેડૂતોના હિત માટે આપવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડી સરપંચને ફડાકા મારી દીધા હતા. બાદમાં અન્ય આરોપીઓએ એકસંપ થઈ પંચાયતના સભ્યોને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજી તરફ, હાલ વાંકાનેર રહેતા તીથવા ગામના મૂળ વતની મનુભાઈ વશરામભાઈ વાઘેલા (ઉ.વ. ૬૮) એ પણ સામા પક્ષના હોદ્દેદારો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

મનુભાઈ અને તેમનો દીકરો મયુર જ્યારે તળાવમાંથી માટી ખોદવા બાબતે વાતચીત કરવા પંચાયત ઓફિસે ગયા, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ તેઓને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી જાહેરમાન અપમાનિત કર્યા હતા. “તમારી જ્ઞાતિને કામ નહીં આપીએ” તેમ કહી હડધૂત કરી, ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન તેમનો મોબાઈલ અને સોનાની ચેઈન પડી ગઈ હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની રજૂઆતના આધારે આઈ.પી.સી./ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ધારાઓ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!