TANKARA :ટંકારા પોલીસ દ્વારા NDPS ગુનામાં ૪ મહિનાથી ફરાર રાજસ્થાનનો આરોપી ઝડપાયો







TANKARA :ટંકારા પોલીસ દ્વારા NDPS ગુનામાં ૪ મહિનાથી ફરાર રાજસ્થાનનો આરોપી ઝડપાયો


ટંકારા પોલીસ અને મોરબી ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને માદક પદાર્થોની હેરાફેરીના ગુનામાં એક મોટી સફળતા મળી છે. ટંકારામાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા રાજસ્થાનના સહ-આરોપીને પોલીસે ફિલ્મી ઢબે સાંચોર (રાજસ્થાન) ખાતેથી દબોચી લીધો છે.

ગત તારીખ ૧૩/૦૧/૨૦૨૬ના રોજ મોરબી જિલ્લા એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ટંકારાની હરીઓમ સોસાયટીમાં એક સફળ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્થાનિક રહેવાસી હાર્દિકભાઇ નરેન્દ્રભાઈ ભાડજા (ઉં.વ. ૨૩) ના રહેણાંક મકાનમાંથી વેચાણ અર્થે રાખેલો નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્થો, વેચાણની સામગ્રી, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨,૮૪,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા મુખ્ય આરોપી હાર્દિક ભાડજાની સઘન પૂછપરછ દરમિયાન આ માદક પદાર્થના નેટવર્કમાં રાજસ્થાનના સાંચોરના રહેવાસી બરકતભાઇ ઉર્ફે ઇરફાન હાજીખાન મુસ્લીમનું નામ સહ-આરોપી તરીકે ખુલવા પામ્યું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ છેલ્લા પાંચ મહિનાથી તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ આરોપી સતત પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો.
લાંબા સમયથી ફરાર આ આરોપી હાલમાં રાજસ્થાનના સાંચોર ખાતે છુપાયેલો હોવાની ચોક્કસ અને ખાનગી બાતમી ટંકારા પોલીસને મળી હતી. બાતમીના આધારે તુરંત એક્શનમાં આવેલી પોલીસે સ્ટાફ સાથે સાંચોર ખાતે દરોડો પાડ્યો હતો. જ્યાંથી સહ-આરોપી બરકતભાઇ ઉર્ફે ઇરફાન હાજીખાન જેરડીયા (ઉં.વ. ૩૩, રહે. જેરડીયા વાસ, સાંચોર, જી. જાલોર, રાજસ્થાન) મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પર જ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ NDPSના ગુનામાં તેની વિધિવત અટકાયત કરવામાં આવી છે.છેલ્લા ૪ મહિનાથી પોલીસને હાથતાળી આપતા આ શાતિર આરોપીને ઝડપી પાડી ટંકારા પોલીસે પંથકમાં નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ તેજ કરી છે.



