MORBI:સાવધાન! મોરબીમાં વેપારીનો મોબાઈલ મેળવી આધાર-પાનકાર્ડના દુરુપયોગથી આચરાઈ છેતરપિંડી







MORBI:સાવધાન! મોરબીમાં વેપારીનો મોબાઈલ મેળવી આધાર-પાનકાર્ડના દુરુપયોગથી આચરાઈ છેતરપિંડી


મોરબી શહેરના મેઈન બજારમાં વાસણની દુકાન ધરાવતા એક વેપારી અને તેમના પરિચિત સાથે વિશ્વાસઘાત કરી, તેમની જાણ બહાર ક્રેડિટ લોન મેળવી લેવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. વેપારીના જ મોબાઈલમાંથી ગુપ્ત વિગતો ચોરીને આ છેતરપિંડી આચરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી કંસાર શેરીમાં રહેતા અને સ્થાનિક સ્તરે વેપાર કરતા ૪૨ વર્ષીય સંજયભાઈ સગુણભાઈ કાગડાએ રાજકોટના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી સોલંકી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ (રહે. લકી પાર્ક, સોમનાથ સોસાયટી-૨, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે, રાજકોટ) એ ફરિયાદી સંજયભાઈનો વિશ્વાસ કેળવી તેમનો મોબાઈલ ફોન મેળવ્યો હતો.
આરોપીએ મોબાઈલમાંથી ફરિયાદીના ઓળખપત્રો જેવા કે પાનકાર્ડ, એટીએમ કાર્ડ અને અન્ય વ્યક્તિગત દસ્તાવેજોની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર તેના નામે ₹ ૬૨,૦૦૦/- અને ₹ ૧૧,૦૦૦/- ની લોન મંજૂર કરાવી લીધી હતી. જેમાંથી આરોપીએ માત્ર ₹ ૧૧,૦૦૦/- ની લોન ભરપાઈ કરી હતી.
આરોપી મહાવીરસિંહની કરતૂત અહીં જ ન અટકી, તેણે આ જ રીતે ફરિયાદીના સાથી અને પરિચિત આશનદાસ જીયોભાઇ રબારીના નામે પણ ₹ ૪૦,૦૦૦/- અને ₹ ૨૬,૫૦૦/- ની લોન કરાવી લીધી હતી. આમ, બંને વ્યક્તિઓના નામે લોન મેળવી લીધા બાદ આજદિન સુધી નાણાં ન ભરીને કુલ રકમની છેતરપિંડી આચરી હતી.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ સંજયભાઈ કાગડાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી મહાવીરસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે કાયદેસરનો ગુન્હો નોંધીને આગળની તપાસ અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.




